રાજકોટ,તા.૨૬
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં વીજળીના કાડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે લોધિકા, મેટોડા, પડધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કોટડાસાંગાણીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
સાડા ત્રણ વાગ્યા પછી એકાએક કાળાવાદળોની જાણે આખી ફોજ ઉમટી અને રાજકોટના આકાશને ઘેરી લીધું. એ પછી વરસાદે જાણે હલ્લો શરૂ કર્યો હોય તેમ વરસવા લાગ્યો હતો. હજુ તો બે-ચાર છાંટા પડયા ત્યાં જ ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. વાદળો અને વરસાદને પગલે રાજકોટમાં હિલસ્ટેશન જેવો માહોલ સર્જાઈ ગયો હતો.
વરસાદના જાણે અફરાતફરી મચી ગઈ હતી અને ભીંજાતા બચવા માટે લોકો તથા વાહનચાલકો દોડધામ કરવા લાગ્યા હતા. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો જેવા કે, જેતપુર, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લોધિકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ખીરસરામાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ રાતૈયા, વાજડી સહિતના ગામોમાં સારો વરસાદ હોવાના સમાચાર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


