રાજકોટ,તા.૨૫
રાજકોટ મહાનગરપાલિકામાં ગત સપ્તાહમાં સ્ટાફ સમયસર પોતાની ફરજ પર હાજર થઇ જાય છે કે કેમ તેની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સ્ટાફની હાજરીનું સરપ્રાઈઝ ચેકિંગ કરાવાયું હતું અને ત્યારબાદ ફરી એક વખત આજે પણ કમિશનરશના આદેશ અનુસાર ૧૦.૪૫ કલાકે હાજરીનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫ કર્મચારીઓ સમયસર ન આવ્યાનું સામે આવ્યું હતું.
આ વિશે વાત કરતા કમિશનરે એમ જણાવ્યું હતું કે, ગત સપ્તાહમાં થયેલ હાજરીના ચેકીંગમાં ૧૦૨ કર્મચારીઓ અને અધિકારીઓ મોડા પડયા હોવાનું જણાયું હતું. જેના પરિણામે પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. આજે કરવામાં આવેલ સરપ્રાઈઝ ચેકીંગમાં માત્ર ૪૫ જેટલા કર્મચારીઓ જ ૧૦.૪૫ વાગ્યા સુધીમાં કચેરીમાં પહોંચી શક્યા નહોતા.
આજ રોજ મ્યુનિ. કમિશનર દ્વારા ૧૦.૪૫ વાગ્યા પછી ઓફિસે આવનાર સ્ટાફની હાજરી અંગે ફેસ ડિટેક્ટર આધારિત માહિતી મંગાવવામાં આવી હતી અને સમયસર હાજર ન રહેલા કર્મચારીઓ સામે પગલાંરૂપે અડધા દિવસની સી.એલ. ગણવામાં આવશે તેમ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


