
સુરત,તા.૨૦
અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ ૨૦૧૫ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠ્યા હતા. દરમિયાન ટોળાં દ્વારા બીઆરટીએસ ડેપોમાં તોડફોડ અને બીઆરટીએસ બસને ફૂંકી મારવામાં આવી હતી. જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. હાલ સરથાણા પોલીસ દ્વારા ટોળાં સામે રાયોટિંગના બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા ૧૯ની અટકાયત કરવામાં આવી છે. જ્યારે પાટીદાર વિસ્તારમાં સિટી બસ અને બીઆરટીએસ બંધ કરી દેવામાં આવી છે. અને એસટી રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત પાટીદાર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ ૨૦૧૫ના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે ૧૦.૩૦ વાગે કાપોદ્રા શ્યામધામચોક સ્થિત બીઆરટીસ બસ ડેપો પર ટોળા ઘૂસી ગયા હતા. જ્યાં બસ પર પથ્થરમારો કરીને તોડફોડ શરૂ કરી હતી. જેથી બીઆરટીએસ બસને નુકશાન નહીં થાય તે માટે સલામત સ્થળે લઇ જવામાં આવી રહી હતી ત્યારેનજીકમાં જ રસ્તામાં બસ રોકી આગ ચાંપી દેવામાં આવી હતી. પુણા સીમાડા રોડ પર મહાલક્ષ્મી સોસાયટી પાસે એક કારને અટકાવીને કાચ તોડી નાંખ્યા હતા. યોગીચોકમાં ઠેરઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. મામલો તંગ બનતા વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


