ગાંધીનગર,તા.૨૦
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઇકાલે વિધાનસભા ગૃહની બહાર ખેડૂતો માટે પોતે એકાદ-બે દિવસમાં મોટી જાહેરાત કરવાના છે એવી શેખી મારી ત્યારે ખેડૂતોને પણ એમ લાગ્યું કે ધારાસભ્યોની જેમ તેમના પણ “અચ્છે દિન” હવે દૂર નથી પરંતુ આજે તેમણે જે જાહેરાત કરી છે તેમાં ખેડૂતોના દેવા માફીની કોઇ વાતને બદલે જા કોઇ ખેડૂત અકસ્માતે મૃત્યુ પામે તો હવે વીમાની રકમ પેટે ૧ લાખને બદલે ૨ લાખ અને વળતરની રકમ એક કરતાં વધુ નોમિનીને મળશે એવી જાહેરાત કરીને ખોદ્યો ડૂંગર નિકળ્યો છછૂંદર જેવો ઘાટ થયો હોવાની લાગણી લાચાર અને ગરીબ તથા જેઓ ખરેખર બોજા હેઠળ દબાયેલા છે તેઓ અનુભવી રહ્યાં છે. સરકારની જાહેરાતનો એક મર્મ એવો થઇ રહ્યો છે કે તમારૂ દેવુ જીવતે જીવ માફ નહીં થાય પણ જા અકસ્માતે મરી ગયા તો વીમાની રકમ હવે ડબલ મળશે..! અને જા બચી ગયા, ઇજા થઇ તો ૫૦ હજારને બદલે ૧ લાખ મળશે. ભાજપ સરકારને જાણે કે લાખો ખેડૂતોના દેવા માફ કરવામાં શરમ આવતી હોય કે પછી વિપક્ષે માંગણી કરી છે તેથી ખેડૂતો ભલે દેવામાં ડૂબે પણ દેવુ માફ તો નહીં કરીએ એવી કોઇ કોંગીફોબિયાથી પિડાઇ રહી હોવાનું પણ કૃષિ નિષ્ણાતો માની રહ્યાં છે.
ગુજરાત વિધાનસભામાં દલા તરવાડીની જેમ મંત્રી-ધારાસભ્યોના પગારમાં ધરખમ વધારો આપનાર રાજ્ય સરકારે આજે ખેડૂત જા અકસ્માતમાં મરી જાય તો જ લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકારો સમક્ષ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અગાઉની સરકારો ધ્વારા ખેડૂતોને અકસ્માતમાં ૫૦ હજાર તેમજ ઇજાઓમાં માત્ર ૨૫ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ત્યારબાદ ભાજપ સરકાર ધ્વારા આ રકમ વધારી અકસ્માત મૃત્યુમાં રૂપિયા ૧ લાખ અને ઇજાઓમાં રૂપિયા ૫૦ હજાર કર્યા હતા. જેમાં માત્ર ૭/૧૨ ઉતારામાં નામ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ લાભ મળતો હતો. જયારે ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ ધ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર ધ્વારા આ લાગણી સ્વીકારીને અકસ્માત મૃત્યુ સહાયમાં ડબલ વધારો કરીને રૂપિયા ૨ લાખ કરવામાં આવ્યા છે. જયારે ગંભીર ઈજાની સહાયમાં રૂપિયા ૧ લાખ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ધ્વારા હવે ૭/૧૨ ઉતારામાં નામ હોય તેવા ખેડૂત ખાતેદારો સહીત તેમના વારસદાર હોય તેવા પતિ-પત્ની તેમજ દીકરા-દીકરીઓને પણ આ અકસ્માત સહાયનો લાભ મળશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે કુલ ૧,૭૫,૮૧,૩૪૨ ખેડૂતો નોધાયેલા છે. તેમાંથી ૭૩,૨૫,૫૫૯ ખેડૂત ખાતેદારોને આ સહાય મળતી હતી. તે હવે નવા નિર્ણયના કારણે ૨.૪૯ ખેડૂતોને આ અકસ્માત સહાયનો લાભ મળશે. જેમાં અત્યાર સુધી સરકાર ધ્વારા ખેડૂતોને અક્સમાત સહાય માટે રૂપિયા ૩૦થી ૩૫ કરોડ પ્રીમીયમ ભરવામાં આવતું હતું. તેના બદલે આ નવી જાહેરાતથી હવે રાજ્ય સરકાર ધ્વારા રૂપિયા ૭૦થી ૮૦ કરોડ જેટલું પ્રીમીયમ ભરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે ૧૫૦૦ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે.
જા કે છેલ્લા ૨ દિવસથી ખાસ એવી ચર્ચા ચાલી રહી હતી કે રાજ્ય સરકાર ખેડૂતોના દેવાને લઈ મોટી જાહેરાત કરવાની છે. કોંગ્રેસ અને હાર્દિક પટેલ પણ આ માગણી સાથે છેલ્લા ૩ મહિનાથી આ મુદ્દે લડી રહ્યા હતા. ત્યારે માત્ર અકસ્માત વીમાની જાહેરાત કરી હતી. તો વિપક્ષના નેતાઓએ આ મુદ્દે સરકાર પર પ્રહારો શરૂ કરી દીધા છે. અને સરકાર ખેડૂતોને લોલીપોપ આપે છે સરકાર મજાક ઉડાવી રહી છે. તેવો આક્ષેપ કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






