સાગર,તા.૨૨
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ડોક્ટર્સની ઘોર બેદરકારીનો મોટો મામલ સામે આવ્યો છે. ડોક્ટર્સે એક વૃદ્ધ વ્યક્તિને મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે હકીકતમાં આ વ્યક્તિ મૃત્યુ પામ્યો જ નહતો, તે તો જીવીત હતો. કાશીરામ નામના એક વ્યક્તિની છેલ્લા કેટલાક દિવસથી સારવાર ચાલી રહી હતી. ગુરુવારે હોસ્પિટલ તરફથી તેને મૃત જાહેર કરી દેવાયો હતો.
ત્યાર બાદ પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે નૌગામના રહેવાસી કાશીરામ સોની (૭૨)નું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેથી પોલીસ સ્ટેશનના ઈનચાર્જ અનિલ મૌર્ય વૃદ્ધને પોસ્ટમોર્ટમ કરાવવા માટે લઈ પોસ્ટમોર્ટમ રૂમ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે વૃદ્ધના શ્વાસ ચાલી રહ્યા હતા. તેથી તાત્કાલિક ધોરણે તેને આઈસીયુમાં દાખલ કરીને ફરીથી સારવાર કરવામાં આવી પરંતુ સારવાર દરમિયાન શુક્રવારે સવારે ૧૦ઃ૨૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ ભર્યા હતા.
જિલ્લા મુખ્ય મેડિકલ અધિકારી ડોક્ટર એસ આર રોશને આ ઘટનાને ડોક્ટર્સની ઘોર બેદરકારી ગણાવીને તપાસ હાથ ધરી છે. સીએમઓએ કહ્યું કે, આ કિસ્સામાં ડોક્ટર અવિનાશ સક્સેનાની બેદરકારી ઉઘાડી પડી ગઈ છે. ઘટનાની યોગ્ય તપાસ બાદ જરૂરી પગલા લેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


