આમલી-દાભડાની મોડેલ સ્કૂલ શહેર સમકક્ષ શિક્ષણ સંસ્થાની ગરજ સારશે : ગણપતિસિંહ વસાવા

0
38

વન-આદિજાતિ મંત્રીના હસ્તે ઉમરપાડાના આમલી-દાભડા ગામે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કર્યુ
સુરત, તા. ૧૪

વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકાના આમલી-દાભડા ગામે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ છ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકામાં નમૂનેદાર અને અદ્યતન વિદ્યાનું મંદિર સાકાર કરી રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારના બાળકો માટે ઘર આંગણે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે. આ મોડેલ શાળા અને હોસ્ટેલ પીવાના શુદ્ધ પાણી માટે ચાર આર.ઓ. મશીન, સોલાર સિસ્ટમ, રિસર્ચ રૂમ, સાયન્સ લેબ., લાઈબ્રેરી, કમ્પ્યુટર રૂમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે શહેરની સમકક્ષ શિક્ષણ સંસ્થાની ગરજ સારશે. ગર્લ્સ હોસ્ટેલની સુવિધા કન્યા શિક્ષણ માટે ચાવીરૂપ બનશે એમ તેમણે કહ્યું હતું.
શિક્ષિત વ્યક્તિ દુનિયા જીતી શકે છે એમ જણાવતાં આદિજાતિ વિકાસમંત્રીશ્રીએ ઉમેર્યું કે, પૈસા, ઘરેણા, માલમિલ્કતની ચોરી થઈ શકે છે, પરંતુ શિક્ષણની ચોરી થઇ શકતી નથી કે તેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. આઝાદીના ૬૦ વર્ષમાં કોઈ સરકારે આદિજાતિ વિસ્તારમાં એક પણ સાયન્સ સ્કૂલ આપી નહોતી, પરંતુ વર્તમાન સરકારે છેલ્લાં દાયકામાં ૧૧ માધ્યમિક શાળાઓ અને ૪ કોલેજોનું નિર્માણ કરી માંગરોળ વિધાનસભા વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે કાયાપલટ કરી છે. પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં આદિવાસી ક્વોટાની એક પણ સીટ ખાલી ન રહેતી હોવાનું તેમણે ગર્વભેર જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ આ શાળા અને હોસ્ટેલ ગ્રામજનો-તાલુકાવાસીઓની સહિયારી મિલકત હોવાનું જણાવી તેની સુયોગ્ય દેખરેખ રાખી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેવા સામૂહિક પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ.એચ.રાજ્યગુરૂએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું કે, ઉમરપાડા, વાંકલ, માંગરોળ સહિતના આદિજાતિ વિસ્તારોમાં બહુવિધ શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરીને રાજ્ય સરકારે આદિવાસીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ અગ્રેસર કર્યા છે. ભૂમિપૂજન પૂજન કર્યા બાદ ટૂંકા ગાળામાં નવનિર્મિત શાળાને જનસમર્પિત કરી ઉમરપાડા તાલુકાને અદ્યતન શિક્ષણસંસ્થાની ભેટ આપી છે. શ્રી રાજ્યગુરૂએ શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સુશિક્ષિત બની પરિવાર અને સમાજની ઉન્નતિના વાહક બનવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે માંડવી પ્રાંત અધિકારીશ્રી એ.કે.બારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, સરપંચ જમનાબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી દુશાને, પ્રિન્સીપાલ પારૂલબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આભાર – નિહારીકા રવિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY