ઉત્તરાયણ પર્વમાં કરૂણા અભિયાન શરૂ થશે
પક્ષીઓની સારવાર માટે ૧૪ સ્વયંસેવી સંસ્થાઓ, ૯ પશુ આરોગ્ય કેન્દ્રો, ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ૧૨૮૫ સ્વયંસેવકો, ડોક્ટરો ફરજ બજાવશે
સુરત, તા.૮
ઉત્તરાયણ પર્વમાં પંતગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે રાજય સરકાર દ્વારા આગામી તા.૧૦ થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરાશે. આ અભિયાનને સફળ બનાવવા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટરાયલય બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વનવિભાગ તથા સૂરત શહેર જિલ્લાની જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ., પશુપાલન, મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગના સહયોગથી સુદઢ આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ચાઈનીઝ દોરી, તુક્કલ વેચનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરીને કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનો અને બાળકોના પંતગ ઉડાવવાના ઉત્સાહમાં ઉતરાયણ પર્વે આકાશમાં મુકતપણે વિહાર કરતા પક્ષીઓ દોરીથી ધાયલ થવાના તેમજ મૃત્યુ પામવાના અનેક બનાવો બનતા હોય છે તેવા સમયે હેલ્પલાઈન નંબરો પર કોલ કરીને વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનો અનુરોધ કર્યો હતો.
ઉતરાયણ વિત્યા બાદ વીજળીના તારો, વૃક્ષો પર દોરાઓને તત્કાલ દુર કરવાની સૂચના મહાનગરપાલિકા, વન વિભાગ, ડી.જી.વી.સી.એલ. વિભાગને આપી હતી.
કરૂણા અભિયાન હેઠળ એન.જી.ઓ ના ૧૨૮૫ સ્વયંસેવકો તથા વન વિભાગના સ્ટાફ ફરજ બજાવશે. સારવાર કેન્દ્રની દેખરેખ તેમજ મદદ માટે વનવિભાગની ખાસ ૦૬ ટીમ બનાવવામાં આવી છે. સુરત શહેર-જિલ્લામાં ૧૯૬૨ તથા ૭૨૨૭૦ ૨૩૧૨૩ હેલ્પ લાઈન પર કોલ કરવાથી સ્થળ પર જ ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા મળી રહેશે.
નાયબ વન સંરક્ષકશ્રી પુનીત નૈયરે કરૂણા અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં વનવિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લાભરમાં પથરાયેલી જીવદયા સંસ્થાઓના સંકલનમાં રહી પક્ષી બચાવની કામગીરી કરવામાં આવશે. ઉત્તરાયણ વિત્યા પછી પણ અબોલ પક્ષીઓ કાતિલ દોરીથી ઘાયલ થતા હોય છે. તેવા સમયે સુરત મહાનગરપાલિકા, ડી.જી.વી.સી.એલ., જેટકો, વન વિભાગના સહયોગથી વૃક્ષો, તાર પરથી દોરાઓને દુર કરવાની સૂચના આપી હતી.
શ્રી નૈયાર કહ્યું હતું કે, ગત વર્ષે કરૂણા અભિયાન હેઠળ ૧૨૮૩ ધાયલ પક્ષીઓને બચાવી લેવાયા હતા. વન વિભાગ દ્વારા પાંચ જેટલી કરૂણા એમ્યુલન્સો દ્વારા તત્કાલ ધાયલ પક્ષીઓના રેસ્કયુ ઓપરેશન કરવામાં આવશે. જિલ્લામાં દયાળજી બાગ ખાતે વન વિભાગના દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. આ ઉપરાંત ૧૪ જેટલી સેવાભાવી એનજીઓ, નવ પશુ આરોગ્ય કેન્દ્રો, ૧૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ડોકટરો ફરજ બજાવશે. આ ઉપરાંત રેડીયોમાં જીગલ, સ્કુલોમાં બાળકોને જન જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, મહાનગરપાલીકા, પશુપાલન, શિક્ષણ વિભાગના અધિકારીઓ, નેચર કલબ, જાનકી દયા ટ્રસ્ટ, પ્રયાસ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


