સુરત,તા.૭
પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાય તે હેતુથી ઘરબેઠા સિલાઈકામ કરતી વરાછાની ૨૨ વર્ષીય યુવતી સાડી લેવા જાય ત્યારે અવારનવાર તેને રોકી છેડતી કરતા લેસપટ્ટીના કારખાનેદારની પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોય મદદરૂપ થવાના હેતુથી ઘરબેઠા સિલાઈકામ કરે છે અને તે માટે સાડી લેવા નજીકના એક કારખાનામાં જાય છે. જોકે, યુવતી જ્યારે પણ સાડી લેવા જાય ત્યારે તેના ઘર નજીક લેસપટ્ટીનું કારખાનું ધરાવતો ૨૬ વર્ષીય જગદીશ ઘુસાભાઈ જાવંધ્રા તેને રોકી છેડતી કરતો હતો અને બિભત્સ માંગણી કરતો હતો.
વારંવાર ઠપકો આપવા છતાં તેની હરકતો ન અટકતાં છેવટે યુવતીએ ગતરોજ તેના વિરૂદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કારખાનેદાર જગદીશની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ જે એસ મહીડા કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



