છેલ્લાં બે દાયકામાં રાજ્યમાં કૃષિ ક્ષેત્રે આવેલી ક્રાંતિની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે: કૃષિમંત્રી

0
13

વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ અને સુધારેલા કૃષિ સંયંત્રોના ઉપયોગથી ઓછા ખર્ચે-ઓછી મહેનતે ખેડૂતોની આર્થિક ઉન્નતિના દ્વાર ખુલશે: આર.સી.ફળદુ

સુરતના આંગણે ‘પશુ સંચાલિત કૃષિ ઓજારો, કૃષિની વર્તમાન સ્થિતિ, પડકારો અને ભાવિ’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના બે દિવસીય પરિસંવાદનો પ્રારંભ:

સુરત ખાતે કૃષિમંત્રીના હસ્તે બે દિવસીય કૃષિ પરિસંવાદને ખૂલ્લો મૂકાયો:

સુરત : રાજ્ય સરકારની કૃષિ નીતિ અને કૃષિ સંલગ્ન અનેક કલ્યાણકારી યોજનાઓના અમલથી નાના ખેડૂતો ખેત ઉત્પાદનમાં અગ્રેસર બન્યા છે. છેલ્લાં બે દાયકામાં રાજ્યમાં કૃષિ ક્ષેત્રે આવેલી ક્રાંતિની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે. રાજય સરકારના સક્રિય પ્રયાસો અને ધરતીપુત્રોની મહેનતના કારણે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો ઉપયોગ વધવાથી કૃષિ ઉત્પાદનમાં માતબર વધારો નોંધાયો છે. રાજ્ય સરકાર માત્ર રૂ.૯૦૦ ના ટોકન દરે  ખેડૂતોને કૃષિલક્ષી સબસીડીયુક્ત કીટ આપીને સહાયરૂપ બની છે. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ, કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સંશોધિત બિયારણો અને સુધારેલા કૃષિ સંયંત્રોના ઉપયોગથી ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો કરવાની સાથે ખેડૂતોની આર્થિક ઉન્નતિના દ્વાર પણ ખુલશે.’, એમ રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુએ ‘માનવ અને પશુ સંચાલિત કૃષિ ઓજારો સહિત કૃષિની વર્તમાન સ્થિતિ, પડકારો અને ભાવિ’ વિષય પર નર્મદ યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદને ખૂલ્લો મૂકતાં જણાવ્યું હતું.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ રૂરલ સ્ટડીઝ, ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ અને અક્ષય કૃષિ પરિવારના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગના સભાખંડમાં ૨૪ અને ૨૫ નવે. દરમિયાન આયોજિત આ પરિસંવાદના અધ્યક્ષસ્થાનેથી કૃષિમંત્રી ફળદુએ વધુમાં જણાવ્યું કે, નાના સીમાંત ખેડૂતોના ભવિષ્ય માટે ચિંતા કરવાનો યુનિવર્સિટીનો સરાહનીય પ્રયાસ છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશનો વિશ્વની અન્ન જરૂરિયાતો પૂરી પાડવામાં મહત્વનો ફાળો છે. સંયુક્ત પરિવારનું વિભાજન થવાથી જમીન ટૂંકી થતી જાય છે. જમીનની વહેંચણી થવાથી ખેતીની જમીન ઘટી રહી છે. જેથી ટૂંકી જમીનમાં નાના ખેડૂતોને આધુનિક યંત્રો દ્વારા ખેતી કરવી પોષાય તેમ નથી. ઉપરાંત ગૌવંશ આધારિત કૃષિ ક્રમશ: નામશેષ થઇ રહી હોવાથી પોષણક્ષમ કૃષિ પદ્ધતિ આશીર્વાદરૂપ બનશે એમ તેમણે કહ્યું હતું.

કૃષિ વૈજ્ઞાનિકો-તજજ્ઞોના માર્ગદર્શન મુજબ ખેડૂત ખેતી કરી વધારે અને ગુણવત્તાયુકત ખેત ઉત્પાદન તેમજ સારા પોષણક્ષમ ભાવ મેળવે એવો રાજ્ય સરકારનો અભિગમ છે એમ જણાવી શ્રી ફળદુએ વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ક્લસ્ટર બનાવી આ પ્રકારના કૃષિલક્ષી સેમિનાર આયોજિત કરવા ખૂબ જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, નાના અને સીમાંત ખેડૂતો માટે ટ્રેક્ટર સહિતના મોંઘા કૃષિ ઉપકરણોથી ખેતી કરવી ખૂબ કઠિન હોય છે. તેમના કૃષિ સંબંધિત કૌશલ્ય વિકાસ માટે સવિશેષ ધ્યાન આપવું એ સમયની માંગ છે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના અવસરે ‘ચલે ગાંવ કી ઔર’ સુત્રને સાર્થક કરી ગ્રામીણ અર્થતંત્રને ધબકતું કરવું જરૂરી છે. જેના વડે ગ્રામ્ય વિસ્તારોની આર્થિક ઉન્નતિનો માર્ગ ખૂલશે એમ ગુપ્તાએ ઉમેર્યું હતું.

કૃષિમંત્રીએ કૃષિ ઓજારોના પ્રદર્શનની મુલાકાત લઈને પ્રદર્શિત કૃષિ ઓજારોને રસપૂર્વક નિહાળ્યા હતા. આ વેળાએ ‘કૃષિ વિકાસ અને સંશોધન’ પુસ્તકનું મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું.

નોંધનીય છે કે, કૃષિ પરિસંવાદ દેશભરના ૪૦ વૈજ્ઞાનિક, ખેત અને કૃષિ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે કામ કરનારી સંસ્થાઓ અને ૩૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો છે.

આ પ્રસંગે અક્ષય કૃષિ પરિવારના સંયોજક ગજાનન ડાંગે, ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ તુલસી માવાણી, સુરૂચિ ટ્રસ્ટ, બારડોલીના ડિરેક્ટર રામકુમાર, આર.એસ.એસ.ના અખિલ ભારતીય ગ્રામ વિકાસ શાખાના પ્રમુખ દિનેશજી, યશવંત ચૌધરી, ડિપાર્ટમેન્ટ રૂરલ સ્ટડીઝના હેડ વિપુલ સોમાણી, યુનિવર્સિટીના ઇ.રજિસ્ટ્રાર ધડુક સહિત મોટી સંખ્યામાં અન્ય રાજ્યના ડેલિગેટ્સ, કૃષિ સંશોધકો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY