તાપી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો
વ્યારા, તા.૧૨
આગામી તા. ૨૩મી, એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન તમામ મતદાન મથકોમાં ઇ.વી.એમ-વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે આ પ્રક્રિયાથી મતદારોમાં વિશેષ જાગૃતિ લાવવા અને વધુમાંવધુ મતદારો મતદાન કરે એ માટે ચૂંટણીતંત્ર દ્વારા વ્યાપક લોકજાગૃતિના કાર્યક્રમો કરાઇ રહ્યા છે.
તમામ નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં મતદાનની પવિત્ર ફરજનું મહત્વ સમજાવવા ૨૩-બારડોલી સંસદીય બેઠકના ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કેળવવા શહેરી-ગ્રામ્ય વિસ્તારોની શાળા/કોલેજો, સ્વેચ્છિક સંસ્થાઓ, પ્રબુદ્ધ નાગરિકો, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોના સહયોગથી મતદાર જાગૃતિની રીતસરની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તેના ભાગરૂપે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાપી જિલ્લામાં સ્થાનિક બોલીની ભાષામાં પણ ર્હોડિંગ-બેનર બનાવી ઠેર ઠેર પ્રદર્શિત કરી લોકોને વધુ મતદાન કરવા પ્રેરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસનવ્યવસ્થા જેમાં મતદાર પાયાનો ઘટક છે. મદારના એક એક મતનું સવિશેષ મહત્વ છે. તે સમજી વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવી એ આપણી ફરજ છે. ત્યારે લોભ, લાલચ, બાળસ, સમયનો અભાવ જેવી બાબતોથી સદંતર દુર રહીને દેશના પ્રત્યેક નાગરિકે મુકત અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે, ૨૩-બારડોલી લોકસભા બેઠકના ચૂંટણી જંગમાં ૧૨ ઉમેદવારોએ ઝુકાવ્યું છે. ૨૩મી, એપ્રિલે ૨૩-બારડોલી બેઠકના ૯૨૮૪૪૧ પુરૂષ મતદારો અને ૮૮૫૪૪૬ મહિલા તેમજ ૨૦ અન્ય મતદારો મળી કુલ ૧૮૧૩૯૦૮ મતદારો મતદાન કરી ૧૨ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમમાં કેદ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


