મહાત્મા ગાંધી કહેતા કે ‘હિંદુસ્તાનના ગામડાની ગરીબાઈથી નહીં, પરંતુ ગામડાઓની ગંદકીથી મારું માથું શરમથી ઝુકી જાય છે.’ પૂ.બાપુ અને સંપૂર્ણ સ્વચ્છતા, પૂ. બાપુ અને ઝીરોવેસ્ટ આ બધી બાબત તેમનાં જીવનમાં જ તાણાંવાણાંની જેમ વણાઈ ગયેલ હતી. તેથી જ આશ્રમના જાજરૂઓની સફાઈ કરવા આનાકાની કરતા પૂ. કસ્તુરબાને હાથ પકડીને આશ્રમની બહાર કાઢી મૂકવાની ગુસ્તાખી એ સામાન્ય બાબત ન હતી. છતાં આઝાદી પછી સરકારોએ પણ જોઈએ તેટલું લક્ષ્ય આ બાબતે ન આપ્યું અને પ્રજાએ તો લોકશાહીને સ્વછંદતાશાહી માનીને ગમે ત્યાં કચરો ફેંકવાનો અધિકાર મેળવી લીધો, પરિણામેઆઝાદીની સુવર્ણજયંતિએ પણ દેશ સ્વચ્છ ન બની શક્યો અને વિદેશોની સરખામણીએ આપણે કેટલા ઠોઠ અને ફુવડ કહેવાયા,વગોવાયા અને તે શરમજનક બાબત વર્ષો સુધી આપણને સદી ગઇ અને જાહેર ગંદકી આપણો સ્વભાવ થયો.
સદભાગ્યે ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત ૧૯૯૬-૯૭નાં અરસામાં પા-પા પગલીથી શરૂ થઈ. ભારત સરકારે નિર્મળગામ યોજના જાહેર કરી, છતાં ગાંધીના ગુજરાતે ‘હોતા હૈ, ચલતા હૈ’થી ગાંધીવાદ કી ઐસી કી તૈસી કરી. સને ૯૮ના વર્ષથી ગોકુળગામ યોજના અમલમાં આવી. જેમાં ગામડાને ગોકુળિયું બનાવવાની રાજકીય ઇચ્છાશક્તિ શરૂ થઈ, રિલાયન્સ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટે ગ્રામ વિકાસ વિભાગના સહકારથી સેલ્સટેક્ષના ભરવાપાત્ર નાણાં વાપરીને આ યોજના શરૂ કરી. તેમાં ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ટર વધ્યા અને ઉકરડા દૂર કરવાની બાબત પર ખૂબ ભાર મૂકાયો. પરંતુ પ્રજા અને પંચાયતોમાં પ્રબળ ઈચ્છા શક્તિનો અભાવ નડ્યો અને આજદિન સુધી ગુજરાત અપેક્ષા મુજબનું સંપૂર્ણ સ્વચ્છ ના થઈ શક્યું, તેથી આજે પણ ગરવી ગુજરાતનું ભલું ઈચ્છનારાઓનું માંથુ શરમથી ઝુકી જાય છે.
બીજી ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ નવી દિલ્હી ખાતે પૂ. ગાંધીજીને ભાવાંજલિ આપતી વખતે ભારતના વડાપ્રધાનશ્રીએ વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રના પ્રબુધ્ધ અને જવાબદાર માનવીઓ સમક્ષ તીવ્ર દર્દ સાથે જણાવ્યું કે, “ભારતને ૧૦૦૦ ગાંધીજી કે ૧ લાખ મોદી પણ સ્વચ્છ બનાવી શકે નહીં’ વડાપ્રધાનની આ વાત ખૂબ જ સૂચક છે. ભારતીય તરીકે આપણે વ્યક્તિગત રીતે સ્વચ્છ છીએ પણ સામૂહિક રીતે ખૂબ જ ગંદા છીએ તેવી બ્રિટીશરોએ ટીકા પણ કરી હતી અને આજે પણ તે સૂચક છે.
ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયગાળામાં સ્વચ્છ ગુજરાત માટે ખૂબ પ્રયાસો થયા. સંતો-મહંતો, સંસ્થાઓને અભિયાનમાં જોડવાના અનેક પ્રયાસો થયા. પૂ.મોરારી બાપુએ બારડોલી ખાતે આ માટે કથા પણ કરી, પરંતુ તેનું ઈચ્છીત પરીણામ ન આવ્યું. બીજા સંતો મહંતો, પ.પૂ.ઓ. કે અન્ય ધાર્મિક સંસ્થાઓ સક્રિય રીતે આ અભિયાનમાં આગળ આવી હોય તેવું બન્યું નહી, પરિણામે આ કામ તો સરકારનું છે. એવું માનનારા આપણે નફ્ફટ બનીને એક કે બે મોબાઈલો ખરીદ્યા, સાઈકલ કે મોટર સાઈકલો ખરીદી, આવતા ભવની ચિંતા કરનારા આપણે દેવાલયોના નિર્માણમાં ખૂબ ઉદાર બન્યા; પરંતુ શૌચાલયોના નિર્માણમાં ખૂબ જ પાછા પડ્યા. અને તે આપણી અધોગતિના કારણો પૈકીનું એક મહત્વનું કારણ બન્યું. મહારાષ્ટ્ર રાજ્યમાં ગાડગે બાબા સ્વચ્છતા અભિયાન ૨૦૦૪માં શરૂ થયેલું. પરિણામે ગંદા મનાતા આ કાર્યમાં ધાર્મિકતા જોડાઈ અને સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૬ માં સૌથી વધુ ૫૯ જેટલાં નિર્મળ ગામો જાહેર થયા, ત્યારે ગુજરાતમાં સમ ખાવા પૂરતા ત્રણ ગામો એક રાજકોટનું, એક મહેસાણાનું અને વડોદરાનું નિર્મળગામ જાહેર કરાયા હતા. આ લખનારના પ્રયાસથી વડોદરાના શિનોર તાલુકાનું મોટા ફોફળીયા નિર્મળ ગ્રામ જાહેર થયેલ. છતાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિ મહોદયનાં હાથે એવોર્ડ સ્વીકારતી વખતે ગુજરાતી અધિકારી તરીકે હાથપગ ધ્રૂજી ગયેલા અને શરમથી માથું નીચું થઈ ગયેલું. પછી દિલ્હીના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરે જઇ સજળ નયને અમે પ્રાર્થના કરેલી.
સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન આજે પણ અપેક્ષિત રીતે સફળ થયું નથી. ભલે ૧૦૦% શૌચાલયોના નિર્માણનો આપણે દાવો કર્યો, પરંતુ ગામડામાં આજે પણ શિક્ષણ અને શિક્ષા(દંડ)ના અભાવે ૨૦% થી વધુ લોકો શૌચાલયનો ઉપયોગ ટાળે છે. તેની પાછળ અનેક સાચા ખોટા કારણો રજૂ કરતા રહે છે. કેટલીક ગ્રામ પંચાયત નગરપાલિકાઓએ જાહેરમાં ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરી. પરંતુ તેને રાજકીય રૂપ અપાતા આ શસ્ત્ર કારગત ન નીવડ્યું. સુરત જેવી મહાનગરપાલિકાએ વહીવટી ચાર્જ તરીકે દંડને વસુલવાની સખ્તાઈ રાખેલી. તે ડરથી પણ આ પ્રથાનો પ્રભાવ પડેલો આજે પણ જોઈ શકાય છે. આ લખનાર ડે. કમિશ્નર સુરત મહાનરપાલિકામાં ફરજ પર હાજર થયેલા તે જ દિવસે સ્ટેશનથી ચોક સુધી ૪૦૦ થી વધુ દુકાનદારોને રસ્તામાં કચરો ફેંકવા બદલ રૂ. અઢી લાખ વહિવટી ચાર્જ વસુલ કરેલ. આમ, રાજકીય અને વહિવટી પ્રબળ ઈચ્છશકિત હોય તો ગંદકી કરનારા સખણાં ન રહે તો જ નવાઈ.
વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.)ના જણાવ્યાનુસાર ૧ ગ્રામ મનુષ્ય મળમાં ૧ કરોડ જીવાણું, ૧૦ લાખ વિષાણું અને ૧૦૦થી વધુ ઈંડા હોય છે. તેથી એક માણસ ખુલ્લામાં હાજત જાય તો કેટલું પ્રદુષણ ફેલાઈ શકે તેની કલ્પના જ કરવી રહી. નવસારી, સુરત વગેરે જિલ્લાઓએ સ્વચ્છ ભારત અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢયું છે, જેમાં આ લખનારે પ્રભારી તરીકે સેવા આપી છે. પરંતુ હજી શેરડી કાપવા આવનાર મહારાષ્ટ્રના હજારો શ્રમયોગીઓ માટે કરોડો કમાતી સુગર ફેક્ટરીઓ કામચલાઉ શૌચાલયો પૂરા પાડવાની નૈતિકતા ચૂકી જાય છે. તેથી જે તે ગામની સંપૂર્ણ સ્વચ્છતાને દાગ લાગે છે. આ જ કારણે જે તે ગ્રામજનોએ જાગૃત થવું જ જોઈશે.
દર માસે થતી પંચાયતની બેઠકમાં તથા દર ત્રણ માસે થતી ગ્રામસભામાં શૌચાલય ન વાપરનારાઓ તથા જાહેરમાં ગંદકી કરનારાઓ અંગે વિગતે ચર્ચા થવી જોઈએ. પરંતુ તેમ થતું નથી. જે રાજકીય ઈચ્છાશક્તિની અધુરપ દર્શાવે છે. સરકારના ગ્રામ વિકાસ વિભાગ તરફથી વહેલી સવારે શૌચક્રિયા માટે બહાર જનારને ગુલાબનું ફુલ આપવું વગેરે ગાંધીગીરીની શરૂઆત કરી હતી, પરંતુ તે કારગત નીવડયું હોય તેમ જણાતું નથી. જાહેરમાં ગંદકી કરનાર સામે સફાઈનો વહિવટી ખર્ચ દંડ તરીકે વસુલવો જોઈએ તથા વારંવાર જાહેરમાં ગંદકી કરનાર ઔદ્યોગિક કે વ્યાપારીક સંસ્થાઓ સાથે ક્રિમીનલ પ્રોસિજર્સ કોડની કલમ ૧૧૩ અન્વયે સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ (પ્રાંત અધિકારી)ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ.
આજે પણ નાના શહેરો તથા મોટા ગામડાઓમાં પ્લાસ્ટિકનું સામ્રાજ્ય છે, જે અહી-તહી ઉડીને વાડમાં આપણી ગંદી ટેવનાં સાક્ષી બનીને ફરક્યાં કરે છે. તીવ્ર વેદનાની બાબત એ છે કે ત્યાંથી પસાર થતા અધિકારીઓનો કર્મયોગ કેમ ઉજાગર થતો નથી? તે યક્ષ પ્રશ્ન છે. વાત વાતમાં આંદોલનો તથા વોટ્સએપમાં મેસેજના આંદોલનો કરતા આપણે મારે શું? અને મારું શું? ના ચક્રવ્યુહમાં જાણી જોઈને ફસાઈ ગયા છીએ. ગણપતિ અને નવરાત્રિના આયોજકો યુવાનોએ આ સામાજિક દાયિત્વ નિભાવવું પડશે. પંદર વર્ષ પહેલા વડોદરા જિલ્લામાં શરૂ કરાવેલ “બાળ અદાલત” “આજનું ગુલાબ” વગેરે શૈક્ષણિક પ્રયોગો, શિક્ષકોએ ખુબ તીવ્રતાથી શરૂ કરવા પડશે. સંપૂર્ણ સ્વચ્છતા રાખવાની જેની પ્રાથમિક જવાબદારી છે, છતાં નાફરમાની કરતી ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓ સામે શિક્ષાત્મક પગલા લેવા, અધિકારીઓએ કોઈ પણ રાજકીય પરિબળોની પરવા કર્યા સિવાય તેમના કર્મયોગને અર્થપૂર્ણ અને તીવ્રતાથી ઉજાગર કરવો જોઈએ. ઠેરઠેર જાતજાતની કથાઓ માંડનારા સંતોએ પણ હવે “ઈતિશ્રી સ્વચ્છતા નારાયણ કથા’ માંડવી જોઈશે. અને સૌથી મહત્વનું પ્રજાએ પોતાનો સમાજ/રાષ્ટ્રધર્મ ઓળખીને સ્વચ્છતાને સ્વભાવ બનાવી તે સંસ્કારમાં પરિણમે તેવો જનસંકલ્પ લેવો જોઈએ. તો જ મહાત્મા ગાંધીને આપણે સાચા અર્થમાં ભાવાંજલિ શ્રદ્ધાંજલિ આપી શકીશુ.
-આર.જે.પટેલ (આઈ.એ.એસ)
(વયસેવા નિવૃત્ત)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



