તહેરાન,તા.૧૫
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે જો અમેરિકા તમામ પ્રતિબંધ હટાવી દે છે તો અમે તેની સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ. રૂહાનીએ કહ્યું કે અમેરિકા અમને ધમકાવાનું બંધ કરે. ઇરાને હવે સંયમ છોડીને જવાબી કાર્યવાહી કરવાની નીતિ અપનાવી લીધી છે. પરમાણુ કરાર સાથે જોડાયેલા કોઇપણ પગલાંનો કડકાઇથી જવાબ આપશે. ગયા મહિને ઓમાનની ખાડીમાં બે તેલ ટેક્નરોમાં વિસ્ફોટ અને ઇરાને અમેરિકાના ગુપ્ત ડ્રોનને તોડી પાડયા બાદથી બંને દેશોની વચ્ચે તણાવ છે.
આની પહેલાં જર્મની, ફ્રાન્સ, અને બ્રિટને આંતરરાષ્ટ્રીય પરમાણુ કરારની અંતર્ગત સંયુકત કાર્યવાહી યોજના (જેસીપીઓએ)ના તમામ સભ્યોની બેઠક બોલાવાનું આહ્વાન કર્યું. આ દેશોના મતે અમેરિકા દ્વારા સતત ઇરાન પર પ્રતિબંધ મૂકતા અને ઇરાનના એ સમજૂતીની જોગવાઇઓને તોડવાના કારણે ખતરો વધતો જઇ રહ્યો છે.
ઇરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ સમજૂતીની અંતર્ગત યુરેનિયમ સંવર્ધનની ૩.૬૭ ટકા નક્કી મર્યાદાને પાર કરી તેને ૪.૫ ટકા સુધી કરી લીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ૮મી મેના રોજ ઇરાન પરમાણુ સમજૂતીથી પોતાના દેશને અલગ કરી લીધો હતો. ત્યારબાદથી જ બંને દેશોના સંબંધ વણસી ગયા. આ કરારની જોગવાઇને લાગૂ કરવાને લઇ પણ સંશયની સ્થિતિ બનેલી છે.
૨૦૧૫મા ઇરાને અમેરિકા, ચીન, રૂસ, જર્મની, ફ્રાન્સ અને બ્રિટનની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. સમજૂતીની અંતર્ગત ઇરાને તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધોને હટાવાના બદલે પોતાના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



