વડોદરા,તા.૭
વડોદરામાં ડભોઇ તાલુકાનાં વઢવાણા ખાતે આવેલા યાયાવર પક્ષી તળાવ ખાતે વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે ૯૦૦૦૦ની સામે આ વર્ષે આજની ગણતરી મુજબ ૨૦૬ જેટલી વિવિધ જાતિના ૪૫૦૦૦નો આંક નોંધાતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે આ વર્ષે એક નવીન જાતમાં રેડ હેડેડ બંટિંગ નામની જાતિ જોવા મળી હતી. જ્યારે પાછલાં વર્ષોમાં માત્ર ૧૦થી ૧૫ની સંખ્યામાં દેખાતી રેડ ક્રિસ્ટેડ પોચાડ(લાલ કારચિયો)ની સંખ્યા ૮૨થી ૧૦૦ જેટલી જોવા મળી હતી.
વન વિભાગ દ્વારા ૫૭૯ હેક્ટરમાં ફેલાયેલા તળાવમાં આવેલાં પક્ષીઓની ગણતરી માટે મુંબઇ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તથા વડોદરાની એનજીઓના સહકારથી વૈજ્ઞાનિકોના મોનિટરિંગ સાથે તળાવને કુલ ૧૧ ઝોનની ૧૧ ટીમો બનાવી પ્રત્યેક ટીમમાં ત્રણ લોકો સાથે ડાયરેક્ટ ડેડ કાઉન્ટિંગ પદ્ધતિથી બાયનોક્યુલર, ટેલિસ્કોપ, દૂરબિનની મદદથી ગણતરી કરવામાં આવી હતી, જેમાં રવિવાર સાંજ સુધીમાં ૨૦૬ જાતિનાં ૪૫૦૦૦ જેટલાં પક્ષીઓએ આગમન કર્યું હતુ. જે આવનારા દિવસોમાં વધી ૬૦૦૦૦ના આંકે પહોંચે તેવી પણ શક્યતા નવ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી હતી. હાલની ગણતરી મુજબ રાજહંસની સંખ્યા સૌથી વધુ જોવા મળી હતી.
સમગ્ર ગુજરાતમાં અનેક સ્થળોએ યાયાવર પક્ષીઓનાં કેન્દ્રો ઊભાં થઇ ગયાં છે, પરંતુ તમામ કેન્દ્રો કરતાં રાજહંસોનું સૌથી વધુ પ્રમાણ વઢવાણા તળાવમાં જ થયું છે તેવું ડીએફઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


