વલસાડ ખાતે યોજાયો મુદ્રા લોન મેગાકેમ્પસ : ૧૮૦ લાભાર્થીઓને બે કરોડની લોન સહાય

0
64

વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય સ્‍ટેટ બેંક અને લીડ બેંક-બેંક ઓફ બરોડાના ઉપક્રમે મોરારજી દેસાઇ હોલ ખાતે પ્રધાનમંત્રી મુદ્રા લોન અને નાણાં સાક્ષરતા કેમ્‍પ વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ કેમ્‍પમાં ૧૮૦ લાભાર્થીઓને બે કરોડની રકમનું ધિરાણ આપવામાં આવ્‍યું હતું.

આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, દેશમાં અનેક લોકોને આર્થિક સહાયની જરૂરિયાત છે, ત્‍યારે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકહિતના ઉદ્દેશ સાથે સામાન્‍ય નાગરિકોના પાયાનો વિચાર કરી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શરૂ કરી હતી. જેમાં દેશની વિવિધ બેંકોને સહભાગી બનાવી, લોન પ્રક્રિયા સરળ કરી જરૂરિયાતમંદ નાના વેપારીઓ, બેરોજગારોને રોજગારી માટે સરળતાથી લોન આપવાનું સુદૃઢ આયોજન કરાયું છે. અર્થતંત્રને મજબૂત કરવા પ્રમાણિકતા હોવી જોઇએ, અને પ્રામાણિકતાથી ધંધો કરનાર હંમેશા નફો જ મેળવે છે, ત્‍યારે દેશના સર્વાંગી વિકાસ માટે લોન લઇ તેને પરત કરવી આપણી ફરજ છે. પ્રધાનમંત્રીશ્રીના પ્રજાલક્ષી નિર્ણયો થકી અનેક લોકોને લાભ થયો છે. ત્‍યારે લોન મેળવનાર પુરુષાર્થ કરી આગળ વધે અને સ્‍વરોજગારીની સાથે અન્‍ય લોકોને રોજગારી મળી રહે તે જરૂરી છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન હેઠળ નાણાંકીય સહાય મળવાથી જિલ્લામાં નવી રોજગારની તકો ઊભી થશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. દેશની બેંકોને વધુ પ્રોત્‍સાહન મળે તે હેતુસર વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના મેઇક ઇન ઇન્‍ડિયા, સ્‍ટેન્‍ડ અપ ઇન્‍ડિયાના ભગીરથ કાર્યમાં સહભાગી બનાવાયા છે.

ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે સ્‍વરોજગાર માટે બેંકો દ્વારા સરળતાથી લોન મળી રહે તે માટે કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે, જેનો લાભ લઇ વ્‍યવસાય કરી જીવનધોરણ સુધારવા અનુરોધ કર્યો હતો.વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્‍સથી ખાતું ખોલવામાં આવે છે, જેનો દરેક વ્‍યક્‍તિએ લાભ લેવો જોઇએ.

પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના દરેક વ્‍યક્‍તિના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.જિલ્લા કલેક્‍ટર સી.આર.ખરસાણે વલસાડમાં મુદ્રા લોન કેમ્‍પ યોજના બદલ સ્‍ટેટ બેંકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે કપરાડા અને સુથારપાડા વિસ્‍તારમાં બેન્‍કની નવી બ્રાન્‍ચ ખોલવા માટેના પ્રયાસો હાથ ધરવા અને પ્રધાનમંત્રી મુદ્રાલોન યોજના હેઠળ લોન આપવામાં સરળતા રહે તે માટે પહેલેથી ચેકલીસ્‍ટ બનાવી લાભાર્થીઓને પહોંચાડવા અને તેની પૂર્તિ કરીને જ બ્રાન્‍ચ ઉપર બોલાવવા  અનુરોધ કર્યો હતો.

આ અવસરે લાભાર્થીઓને લોનની રકમના ચેકનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.દક્ષિણ ઝોન સૂરતના ડીજીએમ અશોકભાઇએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાની સેવાઓ અંગે જાણકારી આપી હતી.

સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના સ્‍પેશીયલ આસીસ્‍ટન્‍ટ હરીશ કાપડીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, આધાર, પાનકાર્ડ, ઇમેઇલ અને મોબાઇલ નંબર ધરાવનાર કોઇપણ વ્‍યક્‍તિ સ્‍ટેટબેંકનો કોઇપણ ખાતામાં ‘યોનો’ YONO એપથી ઘરબેઠા સેવિંગ્‍સ એકાઉન્‍ટ ખોલી શકે છે.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાની બેંકો દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ વર્ષ દરમિયાન જાતે ધંધો કરનારા, નાના વેપારીઓ, સેવા પ્રકારના ધંધા કરનારા તેમજ નિર્માણ કરનારા ૧૬૮પ૮ એકમો/ લાભાર્થીઓને ૧૦૯ કરોડનું ધિરાણ આપી આર્થિક રીતે પગભર બનાવી ઘરઆંગણે રોજગારી આપવાના પ્રયાસો કરાયા છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને શિશુ- પ૦ હજાર સુધી, કિશોર- પ૦ હજારથી પાંચ લાખ સુધી તેમજ તરૂણ- પ લાખથી ૧૦ લાખ સુધીની લોન કોઇપણ જામીન વગર આપવામાં આવે છે. જેમાં ઓટોરીક્ષા, નાના માલવાહક વાહનો, થ્રીવ્‍હીલર, ઇ-રીક્ષા, પેસેન્‍જર કાર, ટેક્ષી જેવી વાહન વ્‍યવહાર પ્રવૃત્તિઓ, સામુહિક, સામાજિક અને વ્‍યક્‍તિગત પ્રવૃત્તિઓ સલૂન, બ્‍યુટીપાર્લર, જીમ, બુટીક, દરજીની દુકાન, ડ્રાય કલીનિંગ, સાયકલ અને મોટરસાઇકલ રીપેરિંગ, ડીટીપી અને ઝેરોક્ષ, દવાની દુકાન, કુરીયર એજન્‍ટ જેવી પ્રવૃત્તિઓ, પાપડ, અથાણાં, જામ, જેલી બનાવવા, કૃષિ ઉત્‍પાદનોનું સંરક્ષણ, મીઠાઇની દુકાન, નાના ફુડ સ્‍ટોલ્‍સ, ડે ટુ ડે કેટરિંગ, કેન્‍ટીન સેવાઓ, કોલ્‍ડ ચેઇન વ્‍હીકલ્‍સ, આઇસ બનાવતા એકમો, બિસ્‍કિટ, બ્રેડ અને બના બનાવતા એકમો જેવા ગૃહ ઉદ્યોગો, હેન્‍ડલૂમ, પાવરલુમ, ચીકનવર્ક, ઝરી અને ઝરદોશી વર્ક, ટ્રેડિશનલ એમ્‍બરોયડરી અને હેન્‍ડવર્ક, ટ્રેડીશનલ ડાઇંગ અને પ્રિન્‍ટિંગ, એપરલ ડિઝાઇન, નીટિંગ, કોટન જીનીંગ, કોમ્‍પ્‍યુટરાઇઝડ એમ્‍બ્રોયડરી, સ્‍ટીચિંગ અને અન્‍ય ટેક્ષટાઇલ જેવી ટેક્ષ્ટાઇલ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, લીડ ડિસ્‍ટ્રિકટ મેનેજર સચીન શર્મા, આસી. સ્‍ટેટબેંક રીજીયન  મેનેજર પવાર,  પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, સ્‍ટેટ બેંકના અધિકારી/ કર્મચારીગણ, લોન મેળવનાર લાભાર્થીઓ હાજર રહયા હતા.

સૂરત એસ.બીઆઇ.ના ચીફમેનેજર રમણભાઇ પરમારે આભારવિધિ આટોપી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY