ભુજ તાલુકામાં ૨૩-અબડાસામાં ૨૫ અને નખત્રાણા તાલુકામાં ૧૦ કેટલકેમ્પ કાર્યરત
ભુજ,મંગળવારઃ
અછતગ્રસ્ત કચ્છમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ૧૫મી ડિસેમ્બરથી ઢોરવાડા ખોલવાની જાહેરાતને પગલે રાજય સરકારના મહેસુલ વિભાગના તા.૧૦મી ડિસેમ્બરના ઠરાવની જોગવાઇ અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓ/ટ્રસ્ટને ઢોરવાડા શરૂ કરવા માટે મંજૂરી આપવાનું શરૂ કરાતાં કચ્છમાં ૭મી જાન્યુઆરી સુધીમાં કુલ-૮૭ સંસ્થાકીય કેટલ કેમ્પ ચલાવવાની તંત્ર દ્વારા મંજૂરી અપાઇ ચૂકી છે.
સંસ્થાકીય કેટલ કેમ્પ ચલાવવા માટે સૌથી વધુ લખપત તાલુકામાં અત્યાર સુધી ૨૯ ઢોરવાડાનું સંચાલન કરવા સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી છે. બીજા નંબરે અબડાસા તાલુકામાં રપ ઢોરવાડા તેમજ ભુજ તાલુકામાં ૨૩ કેટલકેમ્પ શરૂ કરવા સંસ્થાઓ નિમિત બની છે. નખત્રાણા તાલુકામાં પણ ૧૦ કેટલ કેમ્પ કાર્યરત થઇ ચૂક્યા છે.
સંબંધિત સંસ્થાઓને કેટલ કેમ્પની મંજૂરી મળ્યાની તારીખથી દિન-૭માં ઢોરવાડામાં દાખલ થયેલ તમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની કામગીરી પૂર્ણ કરવાની રહે છે અને તે મુજબ સંસ્થાઓ દ્વારા ઇયર ટેગ લગાડવાની કામગીરી કરાઇ રહી છે.
લખપત તાલુકામાં ખોલવામાં આવેલ ૨૯ ઢોરવાડામાં ૨૧૫૮ નાના પશુઓ અને ૧૩૯૭૦ મોટા પશુઓ મળી ૧૬,૧૨૮ પશુઓની નિભાવણી કરાશે જયારે અબડાસાના રપ ઢોરવાડામાં ૪૧૬૭ નાના પશુઓ અને ૧૩૧૯૫ મોટા પશુઓ મળી ૧૭૩૬૨ પશુઓનો સમાવેશ કરાયો છે. ભુજ તાલુકામાં શરૂ કરાયેલ ૨૩ કેટલ કેમ્પમાં ૩૪૮૯ નાના પશુઓ અને ૧૩૩૪૯ મોટા મળી ૧૬૮૩૮ પશુઓને આશ્રય અપાયો છે, જયારે નખત્રાણા તાલુકામાં મંજૂર કરાયેલા ૧૦ ઢોરવાડામાં ૯૦૫ નાના પશુઓ અને ૪૦૩૧ મોટા પશુઓ મળી ૪૯૩૬ પશુઓની સંખ્યા સુનિશ્ચિત કરાઇ છે.
એકંદરે કચ્છમાં કાર્યરત થયેલા ૮૭ સંસ્થાકીય ઢોરવાડાઓમાં ૧૦,૮૧૯ નાના પશુઓ(બચ્ચાં) અને ૪૪, ૫૪૫ મોટાં પશુઓ મળી કુલ ૫૫,૩૬૪ પશુઓની અછત સમયમાં વ્યવસ્થિત નિભાવણી માટે સંસ્થાઓ આગળ આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



