દેશમાં જીડીપી દરો બાબતે મોટા ભાગના બુદ્ધિજીવીઓથી લઇ રાજકારણીઓ ચર્ચા કરતા હોય છે. અને જો જીડીપી ઘટે તો કહેશે કે આર્થિક વિકાસ માટે જીડીપી યોગ્ય માપદંડ નથી. તો લોકો પણ આર્થિક વિકાસ અંગે જાગૃત નથી. અરે એ તો ઠીક દેશમાં લોકહિતના જે સળગતા પ્રશ્નો છે તે માટે પણ આમ પ્રજા જાગૃત નથી…..! તે પણ સત્ય હકીકત છે.જો કે રાજકિય નેતાઓ માટે આ બાબત સારી છે… દેશમાં મંદી છે, મોંઘવારી છે, બેરોજગારી વધતી જાય છે, નવી રોજગારી મળવી દુષ્કર થઈ પડી છે. તે સાથે પ્રાથમિક સુવિધાઓ માટે પણ અનેક અડચણો છે. પરંતુ લોકો જાતિવાદ, કોમવાદ, ધર્મની રાજનીતિ, અજ્ઞાનતા, અંધશ્રદ્ધામાં ડૂબેલા રહે છે…..! તો જાહેર ચર્ચાઓ કે ડેબીટોમા પણ પ્રજાહિતના મૂળ પ્રશ્નોની ચર્ચાઓ ને કોરાણે જ મૂકી દીધા છે….! તે પણ એક સત્ય હકીકત છે. ત્યારે લોકો પોતાના હક્ક- અધિકાર, ફરજ માટે જાગૃત નહીં બને તો તેમના સંતાનોનું ભાવિ અંધકારમય બની જશે….! તે નિર્વિવાદ બાબત છે. તાજેતરમાં ભારતના બંધારણ નિર્માણના ૭૦ વર્ષ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોટાભાગના નેતાઓએ સત્ય- અહિંસાના પૂજારી મહાપુરુષ, પૂજ્ય મહાત્મા ગાંધીજીના અહિંસક આંદોલન સહિતના વિવિધ મુદ્દે વાતો કરી કે પ્રવચનો આપ્યા. તો બંધારણના ઘડવૈયા અને તેમની સાથેના સહયોગીઓની નામો લઈને જોરશોરથી વાતો કરી. પરંતુ બંધારણનો અમલ ખરેખર થાય છે ખરો…..? તેવો સવાલ થાય છે. કારણ કે બંધારણમાં લોકોને મફત શિક્ષણ, મફત જાહેર આરોગ્ય સેવાઓ, લોકોને પોષણનુ સ્તર, જીવનધોરણ ઊંચું લાવવા સહિતના પ્રજાહિતના અનેક હક્ક અને અધિકારો આપેલા છે. તે અંગે સત્તાધારી કે એક પણ વિરોધ પક્ષના નેતાએ ઉલ્લેખ જ નથી કર્યો જે નોંધનીય બાબત છે….!
૧૯૪૭ થી અઢી વર્ષની સતત દિમાગી કસરત બાદ ઘડેલા બંધારણનો અમલ દેશમાં તારીખ ૨૬-૧-૧૯૫૦ ના દિવસથી કરવામાં આવ્યો હતો. તે વાતનો મોટાભાગના નેતાઓએ ઉલ્લેખ કરવા સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજીની અંગ્રેજો સામેની *હિન્દ છોડો*ની લડતની વાતો કરી. તો પૂજ્ય મહાત્મા ગાંધીજીની વાત સૌના ભલામાં આપણું ભલું, સાદુ અને પરિશ્રમ યુક્ત જીવન, સ્વદેશી બાબતનો મહાત્મા ગાંધીજીનો સંદેશ સહિતના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આબેડકર અને તેમની સમિતિના સભ્યોનો નામોલ્લેખ કરી અનેક વાતો કરી. ત્યારે બંધારણમાં આપેલા શિક્ષણના અધિકાર અંગે,જાહેર આરોગ્ય સેવા બાબતે, ગાંધીજીની સાદગી અને તેમણે આપેલા સંદેશનો દેશમાં કેટલા નેતા અમલ કરે છે કે રાજ્યો અમલ કરે છે જે અંગે કોઇપણ રાજકીય પક્ષના નેતાએ એક હરફ નથી ઉચાર્યો ત્યારે દુઃખ થાય તે સ્વાભાવિક છે…..! પરંતુ ૧૦૦% રાજકારણીઓ બંધારણ અને ગાંધીજીના જીવનને વાતો- સંદેશથી ઉલ્ટા ચાલી રહ્યા છે તે તદ્દન સત્ય બાબત છે…! તેનો કોઇપણ રાજકીય પક્ષના નેતા ઇનકાર કરી શકે તેમ નથી. ત્યારે વધુ કોઇ વાત ન કરતા એટલું જ રાજનેતાઓ અને જે તે રાજ્યના સત્તાધારીઓને કહેવાનું કે માત્ર એટલું સમજો કે ભારત ખેતીપ્રધાન દેશ છે. અને ખેતી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેનાથી માનવ સહિત પ્રાણી માત્રનું પોષણ થાય છે. તેને પ્રાધાન્ય આપવામાં આવે તો દેશભરના તમામ ક્ષેત્રો પુનઃ ધમધમતા થઈ જાય. પરંતુ તેની સાથે દેશભરના નેતાઓએ સાદગી અપનાવવા સાથે પોતાને મળતા સરકારી તેમજ મોટા લાભો માંથી ૫૦% થી વધુ કાપ મૂકવો જોઇએ… પણ તેવો કાપ નેતાઓ સ્વિકારવા તૈયાર થશે ખરા….?
દેશભરની સરકારોએ સાચા મનથી,કોઇપણ જાતનો દુર્ભાવ રાખ્યા વગર *દિલ્હી રાજ્ય*ની સરકારે લોકહિત માટેના જે પણ કાર્યો કર્યા છે તેનો ઉડા ઉતરી અભ્યાસ કરવો અતિ જરૂરી છે. અને જો તેના કરેલા લોકહિતના કાર્યોનો દેશભરના રાજ્યો અમલ કરે તો બંધારણમાં જે મફત શિક્ષણ- આરોગ્ય સેવાનો લોક અધિકાર આપ્યો છે તેનો સો ટકા અમલ થઈ જાય. તો પાણી કર માફ કર્યો છે, ૧૦૦ યુનિટ વિજળી વપરાશ સુધી કોઈ ચાર્જ-બીલ નહીં જેવા અનેક લોકહિતના પગલા લીધા છે. તો વેપાર-ધંધામાં કર-દર ઘટાડયા જેથી રાજ્ય સરકારની ટેકસની આવક પણ વધી છે. ઉપરાંત કોઈપણ કાર્યના ખોટા દેખાડા પાછળ, જાહેરખબરો વગેરે પાછળ, ઉદ્ધાટનનો પાછળ ખોટા ખર્ચ કર્યા નથી. જેના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો સરકારમાં ખર્ચ બચી ગયો છે.ત્યારે જો દેશભરના જે તે રાજ્યોની સરકારો *દિલ્હી રાજ્ય* સરકારની જેમ અને તેના જેવા વિકાસ કાર્યો કરે અને પગલાં ભરે તો તેના પરિણામો અવશ્ય મળે. અને તે પણ પોઝિટિવ…. પરંતુ ધનપતિઓને વરેલી સરકારો આવા લોકહિતના પગલા લેશે કે કેમ.? તે મોટો પ્રશ્ન છે….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


