ભાજપા પોતાની પકડ મજબૂત બનાવવા દેશના વિવિધ રાજ્યોમાં નવી નવી રીત-રસમો અપનાવતો જાય છે. તેમાં તેને ૧૦ જેટલા રાજ્યોમાં સંપૂર્ણપણે સફળતા મળી છે. તો ૧૬ જેટલા રાજ્યોમાં આંશિક સફળતા મળી છે. ત્યારે ૪ રાજ્યો એવા છે કે જ્યાં આમ લોકો ભાજપાને સ્વીકારવા તૈયાર જ નથી થયા. પરંતુ દેશની આમ પ્રજાને લાઈનોમા લગાવી દે તેવા મુદ્દા લાવીને આમ પ્રજાને તેના મૂળ મુદ્દા- સળગતા પ્રશ્નો ભૂલાવી દેવામાં ભાજપાને અને તેની સરકાર ને સો ટકા સફળતા મળી છે…..! તેમ કહીએ તો તે અતિશયોક્તિ નથીજ. ભાજપાએ કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ તેના રાજનેતાઓ શામ, દામ, દંડ, ભેદના જોરે કેટલાક કોગ્રેસ શાસિત રાજ્યોમાં ધારાસભ્યોનો પક્ષ પલટો કરાવીને કોંગ્રેસની સત્તા છીનવવામાં સફળતા મળી તો કેટલાક રાજ્યોમાં સત્તાપ્રાપ્તિ માટે કોઈપણ પક્ષનો કે અપક્ષોનો ટેકો મેળવવા માટે સમાજના કે રાજ્યના ગુનેગારોને પણ સંભાળી લઇને પોતાની સત્તા પ્રસ્થાપિત કરવામાં પાછું વળીને જોયું નથી. અને તે માટે ભાજપાએ પોતાના સિદ્ધાંતોને પણ ખૂણામાં ધકેલી દીધા છે. તે પણ આમ પ્રજા જોઈ રહી છે. પરંતુ ભાજપાના રાજનેતાઓ કે નેતાગણને આ બાબતની પરવા નથી. આ બધા રાજકીય દાવમાં પૂર્વ ભારતના રાજ્યોમાં પોતાનો પગદંડો જમાવવા માટે કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન વિધેયક કેન્દ્રમાં લાવી અને લોકસભામાં ભાજપની બહુમતિ હોવાથી સરળતાથી પસાર કરી નાખ્યું. આ બિલ પરની ચર્ચામાં વિરોધ પક્ષના સભ્યોએ કરેલી રજૂઆતની નોંધ સુદ્ધા લેવામાં આવી નહીં. અને રાજ્યસભામાં રજૂ કરી એન કેન પ્રકારે આ બિલ એટલે કે નાગરિકતા સંશોધન બિલ પસાર કરાવી દીધુ.પરંતુ તે જ દિવસે દેશના પૂર્વોત્તર રાજ્યોમાં લોકો મેદાનમાં આવી ગયા અને ભારે વિરોધ સાથે ભયાનક ભડકો થયો છે. તો દેશના અન્ય રાજ્યોમાં પણ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. જેથી ભાજપ માટે હવેનો સમય સાપે છછૂંદર ગળ્યા જેવો થઈ જવાની શક્યતા છે…..!
દેશના બુદ્ધિજીવીઓ તો કહેતા કહેશે પરંતુ આમ પ્રજા- સામાન્ય લોકો કહેતા થઈ ગયા છે કે દેશમાં મંદી, ભાવ વધારો-મોઘવારી, બેરોજગારી, બાળકોમાં કુપોષણ, ધંધા-રોજગાર ઠપ્પ થઈ જવા, આરોગ્ય સેવાઓ કથળી જવી, શિક્ષણનો વેપાર-બેફામ ફી વધારો, મહિલા સુરક્ષા અને તેમાં પણ રેપ ની ઘટનાઓ જેવા મુદ્દા તરફ ધ્યાન આપવાના બદલે લોકોનું ધ્યાન બીજી તરફ દોરવા કે આવા સળગતા મુદ્દા ભુલાવવા માટે લોકોને માટે એવા ટેન્શન લાવી દે છે કે લોકો પર કેન્દ્ર સરકારે નાખેલા ટેન્શનમાથી મુક્ત થવા લાઈનો લગાવવી પડે છે પરિણામે લોકોએ મૂળ સળગતા પ્રશ્નોને બાજુમાં હડસેલી દેવા મજબૂર થવુ પડે છે. કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા પછી નોટ બંધી આવી અને સામાન્ય લોકોને બેક્નો પર નોટો બદલવા લાઈનો લગાવવી પડી એ તો ઠીક અનેક દિવસો લાઈનમાં ઊભા રહેવા મજબુર થવુ પડયુ.આવી લાઈનોમાં કોઈપણ મોટા ઉદ્યોગપતિઓ કે શ્રીમંતો ઉભેલા જોવા મળ્યા ન હતા. આમ પ્રજા પરેશાન થઈ ગઈ કેટલાકના મૃત્યુ પણ થયા…. પછી આવ્યુ આધારકાર્ડ અને એ પણ ફરજિયાત… ફરી પાછા લોકોને લાઈનો લગાવવી પડી. જે દિવસોના દિવસો લાઇનો લાગતી રહી. છતા આજે પણ દેશમાં અનેક લોકો આધારકાર્ડ મેળવવા સરકારી કે અર્ધ સરકારી કચેરીઓના ધક્કા ખાતા જોવા મળે છે. તો બીજી તરફ કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારો ગરીબો માટે આવાસ યોજના લાવી.જે ખુબ સારી વાત હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના દેશભરમાં શરૂ કરવામાં આવતાં તેના ફોર્મ મેળવવા તેમજ ભરીને જમા કરાવવા સામાન્ય લોકોની મોટી મોટી લાઇનો લાગી.તો રાજ્યો મુખ્યમંત્રી આવાસ યોજના લાવ્યા ત્યા પણ લાઈનો લાગી. પરંતુ આવાસ યોજનામા પ્રથમ ભરવાના પૈસા અને હપ્તા ભરવા માટેની જે શરતો રાખી તે શરતો અનુસાર કોઈ પણ ગરીબ મધ્યમવર્ગ તેનો લાભ ન લઇ શકે….! પરંતુ એક વાત ચોક્કસ છે કે આવી યોજનાઓ અને કાર્યક્રમોને કારણે આમ પ્રજાને તેના સળગતા પ્રશ્નો ભુલાવવામાં ભાજપાની સરકારો સફળ રહી છે તે વાત દરેકે સ્વીકારવી જ રહી……!
અત્યારે દેશભરમાં વિવિધ સળગતા પ્રશ્નો સાથે મહિલાઓ- સગીરાઓ, બાળકીઓ પર રેપ ના બનાવો બની રહ્યા છે અને દેશ ભરમા લોકોમા આક્રોશ ફેલાઈ ગયો છે ત્યારે કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન બિલ લાવી અને તેનો અમલ પણ દેશભરમાં કરવાનો છે ત્યારે પૂર્વ ભારતના રાજ્યોમાં આ બિલના વિરોધમા ભારે તોફાનો શરૂ થઇ ગયા છે. તો ગુજરાત સહિતનાં કેટલાંક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. જેની લોકોમાં એક સમજ અનુસાર આ બિલ મુજબ જે તે ભારતીય વ્યક્તિએ તે ભારતનો જ છે તે અંગેના પુરાવા રજૂ કરવા પડશે, તેની પેઢીઓની પેઢીઓ ભારતીય છે કે ભારતમાં વસે છે આમ છતાં તે ભારતનો નાગરિક છે તે માટેના તમામ પુરાવા રજૂ કરવા પડશે. ત્યારે તે ભારતનો નાગરિક છે તે નક્કી થશે. ભારતમાં લાખો ગામડા એવા છે કે જ્યા પેઢીઓની પેઢીઓ ખેતી કે અન્ય વ્યવસાય કરતી આવી છે તેઓ માટે પુરાવા ઊભા કરવા મુશ્કેલ હશે. તો રોજી-રોટી માટે વર્ષોથી જે તે અન્ય રાજ્યમાં વસવાટ કરતા લોકો માટે ભારતના નાગરિક છે તે સાબિત કરવાનું તેને માટે મુશ્કેલ પડશે. અને પુરાવા મેળવવા દેશભરના સામાન્ય લોકોએ જે તે સરકારી- અર્ધસરકારી કચેરીઓમાં લાઈનો લગાવવી પડશે…. અને…. પડશેજ… પરિણામ લોકો મોંઘવારી, બેરોજગારી, મંદી, હેલ્થની કથળેલી સેવાઓ, રેપની ઘટનાઓ- મહિલા સુરક્ષા, બાળકોના કુપોષણ, શિક્ષણનો વેપાર- મોંઘું શિક્ષણ સહિતના મુદ્દા ભૂલી જશે તે હકીકત છે…..! ત્યારે છેલ્લે એટલું જ કહેવાનું ભાજપા…. બ્રેવો…. પ્રજા અત્યારે સળગતા મુદ્દાઓ ભૂલી ગઈ….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


