નેતાઓની બેકાબૂ જીભ : લોકસભા ચૂંટણી સુધી તો સહન કર્યે છૂટકો જ નથી..!!

0
7

રાજકારણમાં તર્કબદ્ધ દલીલો કે ચર્ચા સાંભળવા- જાવાનો સમય ગયો. હવે માત્ર અસંગત ચર્ચાઓ, તર્કહિન દલીલો અને ખોટેખોટી આક્ષેપબાજી ચાલે છે. એમાંય સંસદના સત્ર દરમિયાન સર્કસ સિવાય અન્ય બીજું કંઈ હોતું નથી.
આપણા કમભાગ્ય એ છે કે આપણામાંના લોકો આને મનોરંજન ગણે છે, પરંતુ હકીકત તો એ છે કે આ સસ્તું મનોરંજન આપણી પરસેવાની કમાણીના ભોગે તેઓ ભજવે છે. હકીકતમાં આ મનોરંજન આપણી ક્રૂર મજાક છે.
હમણાં બે દિવસથી સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અને કાંગ્રેસ ચીફ રાહુલ ગાંધી વચ્ચે આવી તર્કહિન ‘જુગલબંધી’ ચાલી રહી છે. આ બે પાત્રની સાથે અન્ય એક કિરદાર મોદીજી પણ ભજવે છે.
આપણે ચૂંટી કાઢેલા આ નેતાઓ ગૃહમાં બેસીને ચર્ચા કરતી વખતે કે જાહેરસભાને સંબોધતી વખતે મૂળ મુદ્દો બાજુએ મૂકીને કેવા અર્થહિન આક્ષેપો કરે છે એનું તાજુ દૃષ્ટાંત આ ‘જુગલબંધી’ છે.
રાહુલ ગાંધીએ કહ્યુ કે ‘મોદીએ ચર્ચા માટે મહિલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનનો ઉપયોગ કર્યો છે. ‘એક મહિલા સે કહા કી મેરી રક્ષા કિજિયે.’ છપ્પન ઈંચની છાતી ધરાવતા ‘વાચમેન’ મેદાન છોડીને નાસી ગયા અને એક મહિલા- સીતારામનજીને રક્ષણ માટે મૂકી ગયા.’
વાતનું વતેસર થઈ ગયું! નેશનલ કમિશન ફોર વિમેન (એનસીડબલ્યુ)એ આની સુઓમોટો નોંધ લઈને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી.
નોટિસમાં લખ્યું છે કે તમે મહિલા પ્રધાનનું અપમાન કર્યું છે. ‘એક મહિલા સે કહા કી મેરી રક્ષા કિજિયે’ એનો અર્થ એવો થયો કે મહિલાઓ શું નબળી છે? રાહુલ ગાંધીની આ ટિપ્પણી સ્ત્રી પ્રત્યે દ્વેષ ધરાવતી, અપમાનજનક અને અનૈતિક છે, એવું નોટિસમાં લખ્યું છે.
હકીકતમાં રાહુલ ગાંધીને નોટિસ મળવાનું કારણ સાચું જ છે. રાહુલ ગાંધીની એ પછી પણ જીભ કચરાઈ ગઈ. તેમણે મોદીના આકરા જવાબમાં એવું કહી દીધું કે મોદીજી, આપણી સંસ્કૃતિમાં મહિલાઓના માનની શરૂઆત ઘરથી જ થાય છે. બસ, રાહુલ ગાંધી મોદીજીના ‘ઘર’ સુધી આખીય વાત લઈ ગયા. આ તદ્દન અયોગ્ય વાત છે.
રાજકારણમાં મર્યાદાનો ઉંબરો ઓળંગી જવાનું હવે સામાન્ય બનતું જાય છે. રાજકીય ચર્ચાઓમાં હવે ગરિમા રહી નથી. કઈ કક્ષાની રાજકીય હસ્તી સાથે દલીલ કરવામાં આવે છે એનું ભાન ભાગ્યે જ રખાય છે.
રાજકારણ કાદવ ઉખેડનું કામ નથી. શાસકોનું કામ પ્રજાલક્ષી કાર્યોનું છે, પરંતુ હકીકત એ છે કે આપણી સરકાર પ્રજાલક્ષી કાર્યો સિવાય અને સુશાસન ચલાવવા સિવાયના બધા કામ કરે છે.
કાંગ્રેસે આ મામલામાં અગેઈન તર્કહિન વાતો કરી કે નોટિસ ફટકારવાનું પગલું ‘રાજકીય હેતુપ્રેરિત’ છે. ખરી વાત છે કાંગ્રેસની, પરંતુ રાજકારણમાં રાજકીય હેતુપ્રેરિત પગલાં ન હોય તો ‘ધાર્મિક હેતુપ્રેરિત’ હોય! નાગરિકત્વ આપવું, અનામતની ખેરાત બાંટવી, ખેડૂતોની લોનમાફી કરવી કે તેમને માસિક રોકડની લહાણી કરવી આ બધું ‘રાજકીય હેતુપ્રેરિત’ નથી?
નેતાઓની બેકાબૂ જીભ અને મત પડાવી લેવા માટેની લહાણીઓ – આ બે પર કાબૂ મુકાય તો થોડી સેવા આૅટોમેટિક થયેલી ગણાશે. એની વે લોકસભાની ચૂંટણી સુધી તો સહન કર્યે છૂટકો નથી!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY