ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ૨૦૦૧ માં નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી ૨૦૧૪ સુધીમાં કોંગ્રેસ પાસે ની નાની મોટી તમામ સંસ્થાઓ સહિતની સત્તા છીનવાઈ ગઈ છે . ૨૦૧૪ માં આપણા નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પછી દેશભરના ભાજપ વિરોધી રાષ્ટ્રીય – પ્રાદેશિક પક્ષો અસ્તિત્વની લડાઈ જીતવા જજુમી રહ્યા છે . આ સ્થિતિ અંગે કોંગ્રેસના એક અગ્રણી નેતા સાથે હળવાશની પળોમાં ચર્ચા કરી . સવાર સવારમાં કોફીના કપ સાથે રાજકીય તાસીરની મજેદાર ચર્ચા ચાલી . આ નેતાજીએ રમુજ સાથે શરુ કર્યું ” તમે જૂની જી.જી.ઝ્ર ભણ્યા હશો , બરાબર ! અત્યારના ધોરણ ૧૨ નો એક દાખલો તમે શકશો નહિ . હા , તમે શિક્ષણ સાથે જોડાયેલા હોત તો આવડે . બાકી ભણીને ગયા પછી અત્યારના અભ્યાસ ક્રમને જુના લોકો સમજી શકતા નથી . આવી જ સ્થિતિ અમારા કોંગ્રેસ પક્ષની થઇ છે . નરેન્દ્ર મોદીએ પ્રથમ ગુજરાતમાં અને હવે દેશમાં રાજનીતિનો આખો અભ્યાસક્રમ જડમુળમાંથી બદલી નાખ્યો છે . તમને ખબર હશે કે પહેલા સહકારી ક્ષેત્ર સંપૂર્ણ સ્વાયત હતું . તેમાં રાજકારણ કે સરકારી હસ્તક્ષેપ ખુબ માર્યાદિત હતો . આજે પાર્ટી થી વિશેષ સહકારી ક્ષેત્રની ચુંટણીમાં રસાકસી થાય છે . શાસક પક્ષ વિપક્ષને સહકારી ક્ષેત્રમાંથી સાફ કરવા અત્યારે જે હથકંડા અજમાવે છે , એવું જુના અભ્યાસક્રમ માં કશું હતું જ નહિ . અત્યારે ભાજપના અને જુના કોંગ્રેસી નરહરિ અમીને કેટલી મહેનત કરીને મોટેરા સ્ટેડીયમ અને ગુજરાત ક્રિકેટ ક્લબ ઉભી કરી હતી . પરંતુ અમિતભાઈ શાહે તેમાં પણ નવો અભ્યાસક્રમ દાખલ કરીને સ્કુલબોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ , શાળા સંચાલકો વગેરેનો ઉપયોગ કરીને નરહરિ ભાઈ પાસે થી જી.સી.એ છીનવી લીધું . સરકાર , પંચાયતો , નગરપાલિકા અરે ગ્રામ પંચાયત ને પણ નવા અભ્યાસક્રમ હેઠળ સરકારી અંકુશમાં મૂકી દીધાં છે . કેન્દ્રની ગ્રાન્ટ કોંગ્રેસની યુ.પી.એ સરકારે વધારી જે સીધી જ પંચાયતો ને મળતી હતી . પરંતુ સરકારે તેનો વહીવટ આડકતરી રીતે કલેકટર નાં હવાલે મુકીને પોતાની પાસે રાખ્યો . આતો બધી સામાન્ય અભ્યાસક્રમ ની વાત થઇ પરંતુ વિધાનસભા સત્ર ચુંટણી , અને રાજ્યસભા આ બધામાં જે નવો જટિલ અને કુટનીતિક અભ્યાસક્રમ દાખલ થયો છે , જે માત્ર કોંગ્રેસને જ નહિ પણ ગુજરાતના મીડીયાને પણ સમજાયો નથી . તમે આટલા વર્ષોથી વિધાનસભામાં કવરેજ કરો છો , ભૂતકાળમાં ક્યારેય એવું જોયું હતું કે પ્રશ્ન પણ મંત્રી નો અને જવાબ પણ એજ મંત્રી નો . વિધાનસભા અંગે વધુ કશું બોલી શકાય નહિ , પરંતુ તમે જુનો અભ્યાસક્રમ પણ જોયો છે , અને વર્તમાન પણ જોવો જ છો . આમાં કોંગ્રેસ પાસ કેવી રીતે થઇ શકે ? ”
નેતાજી ને કહ્યું કે જો તમે નવા અભ્યાસક્રમ ને અપનાવી નહિ શકો , કે તેમાં માહેર નહિ થાવ તો તમારું ભવિષ્ય શું ? તમારે ભાજપના કોઈ ખુણામાં બેઠેલા નેતાનું ટયુશન રાખીને પણ નવા અભ્યાસક્રમ મુજબ રાજનીતિ કરતા શીખવું જ પડશે . નહિ તો રાજ્યસભાની એક બેઠક ગઈ એ રીતે બાકીની બેઠકો પણ જતી જ રહેવાની .
નેતાજી એ કહ્યું ” સાચી વાત છે . કોંગ્રેસ ભલે ૧૩૦ વર્ષ જૂની હોય , પરંતુ જુના રાજકારણની તાસીર આજે ચાલે તેમ નથી . ગાંધી વિચારણા નામે જેમ ભાજપ રાજનીતિ કરે છે , પરંતુ તેમાં ગાંધી વિચાર ક્યાંય જોવા મળતો નથી . એવું અત્યારે કોંગ્રેસ વિચારધારા નું છે . આ વિચારધારા ને પકડી રાખીને આજની નવી રાજનીતિમાં ચાલી શકાય નહિ .”
નેતાજી ને કહ્યું કે માત્ર નવી રાજનીતિના પાઠ સાથે ભાજપની માફક વાયબ્રન્સીની પણ જરૂર છે . મહેનત કર્યા વિના પરિણામ લાવી શકો નહિ . ભાજપના કાર્યકરો પાસે થી જે પ્રકારે નેતાગીરી કામ લે છે એવું તમે ક્યારેય કામ લેતા નથી . સંગઠન કાગળ ઉપર છે . દરેક નેતાનું આગવું જૂથ અને જૂથ ના કાર્યકરની લાયકાત હોય કે ન હોય પરંતુ તેને જ હોદ્દો મળવો જોઈએ . આ માનસિકતા હોય તો ભાજપને મહેનત ઓછી કરીને વધુ પરિણામ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે .”
નેતાજી એ વાતનો સ્વીકાર કરતા કહ્યું ” જૂથબંધી કદાચ ભાજપમાં પણ હશે જ , પરંતુ પ્રદેશના અને પાર્ટીના શિસ્તના કોરડા થી કાર્યકરો હોય કે નેતા સહુને ડર હોય છે . અમારા કાર્યકર કે નેતા કોઈને કોઈનો ડર હોતો નથી . અનિર્ણાયકતા એ અમારી સહુથી મોટી કમજોરી છે . ખોટા નિર્ણયથી જે નુકસાન થાય તેનાથી વધુ નુકસાન અનિર્ણાયકતા થી થાય છે . રાઘવજી ભાઈ પટેલે એક વર્ષ સુધી વિક્રમ માડમ ની કનડગત અંગે પક્ષમાં રજુઆતો કરી , હાઈકમાન્ડ ને ચાર વાર મળી આવ્યા , છતાં કોઈ જ નિર્ણય ન લેવાયો જેથી રાઘવજી ભાઈ પટેલે જાતે નિર્ણય લેવો પડયો અને પક્ષ છોડી ભાજપમાં જતા રહ્યા . રાઘવજી ભાઈ નો ફાયદો ભાજપને જે થશે તેના કરતા કોંગ્રેસને નુકસાન વધુ છે . આ વાત અમારા હાઈકમાન્ડ નાં નેતાઓની ટીમ સમજાતી નથી . નરહરિ ભાઈ અમીન ને એક ટિકિટ ન આપીએ જે નુકસાન પાર્ટીએ વેઠયું છે તેની તો વાત જ થઇ શકે તેમ નથી . યુવાનોની એક ફોજ લઈને નરહરિભાઈ ગયા . સાથે મહત્વના આગેવાન કાર્યકરો પણ ગયા . ભલે અમે સંતોષ લઈએ કે નરહરીભાઈ ને જીરો કરી નાખ્યા . પરંતુ કોંગ્રેસ ને જે નુકસાન થયું છે અને દરેક ચુંટણીમાં થઇ રહ્યું છે એ ખુબ જ મોટું છે . જે કોઈ આગેવાનો , ચૂંટાયેલા સભ્યો , ધારાસભ્યો પક્ષ છોડે છે , તેમાં ક્યાંય ને ક્યાય નરહરિ અમીનનો દોરી સંચાર હોય છે . પક્ષને ખોખલો કરી નાખ્યો . છતાં અમારા નેતાઓ આ ભુલ હતી એ સ્વીકારવા તૈયાર નથી . જોઈએ હવે આ નવા અભ્યાસક્રમ માટે પાર્ટી કશું શીખવા માંગે છે કે પછી નાપાસ થઇ થઈને જીરો કરી નાખવા માંગે છે . ભાજપ સામે ભાજપની રાજનીતિ થી લડવું પડે એવી સામાન્ય સમજ એ ન હોય તો અમારે હવે કોને કહેવાનું ? હશે અત્યારે તો શાંતિથી જીવીએ છીએ , પક્ષની કોઈ જવાબદારી નથી . પરંતુ રાજકારણ મા છું અને રહેવાનો છું એટલે મારા કાર્યકરો – મતદારો વગેરેની કાળજી લેવી પડે એ લઉં છું . નેતાએ હૈયા વરાળ ઠાલવીને વાત પૂરી કરી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




