વિશ્વભરમાં સૌથી મહાન ગણાતા લોકશાહી દેશ ભારતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી ગાજી રહ્યા છે. તે સાથે કેટલાક નેતાઓના બેફામ અને બેહદ વાણીવિલાસ તેમાં પણ પોતાના ભાષણમાં મતો આપવા માટે આડકતરી ધાક ધમકી આપવી, ઉપરાંત બિભત્સ ભાષા પ્રયોગ વાપરવા, તેમજ મનઘડંત આક્ષેપોની ઝડીઓ વરસતા લોકશાહીના ચિથરા જાહેરમાં ઉડાડવામાં આવી રહ્યા છે. તો ચૂંટણી પંચ પણ નરોવા કુંજરોવા જેવી નીતિ અપનાવી રહ્યું છે. અને આવા કારણે મતદારો પણ શરમાય છે તેમાંના અનેક લોકોનું કહેવું છે કે અમે વીતેલા સમયમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં જે કદાપિ જાયું કે સાંભળ્યું નથી તે અત્યારની ૨૦૧૯ ની ચૂંટણીઓમાં રહ્યું છે તે લોકશાહી માટે ઘાતક છે….! નેતાઓના વાણીવિલાસ અને મત મેળવવા માટે જાહેરમાં ધમકીઓને લઈને લાગે છે કે હવે લોકો કે લોકશાહી સલામત નથી. લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લાગે છે કે સત્તા જાળવી રાખવા સત્તાનો બેફામ રીતે ખોટો ઉપયોગ નેતાઓ કરી રહ્યા છે અને નેતાઓના હળહળતા જુઠાણાઓ અને દાવાઓને લઈને વિશ્વમાં પણ ભારતથી છબી ખરડાશે તે નિશ્ચિડત છે….!!
દેશમાં ચાલી રહેલા આજના ચૂંટણી સમયમાં જે પ્રકારે જે તે પક્ષના નેતાઓના જુઠ્ઠા દાવાઓ ભર્યા જાહેર ભાષણો મીડિયા દ્વારા -ન્યુઝ ચેનલો દ્વારા પ્રસારિત થઈ રહ્યા છે ત્યારે લોકો પણ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે કે આવા છે આપણા નેતાજી. જેના ઉપર આમ પ્રજાએ વિશ્વાસ મૂકીને થોકબંધ મતો આપ્યા તેઓ જૂની વાતો ઉખેળે છે ક જે વાતો ધડ માથા વિનાની હોય છે. પરંતુ પોતે કે પોતાની સરકારે કરેલા કાર્યોની વાત પ્રજા વચ્ચે નથી લઇ જતા. તો પોતે કે પોતાનો પક્ષ હવે લોકહિત માટે શું કરવા માગે છે તેની વાત પણ નથી કરતા. એ તો ઠીક હાલમાં લોકોને નડતી મોંઘવારી, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી અંગે કે શિક્ષણ પ્રથા અંગે કોઈ પણ વાત કરતા નથી. બસ એક જ વાત સામા પક્ષની સરકાર હતી ત્યારે કશું જ નથી થયું, ભ્રષ્ટાચાર વધી ગયો છે, તેઓ સત્તા પર હતા ત્યારે આ ભૂલો કરી તે ભૂલ કરી છે જેને અમારે સુધારવાની છે. તેવી વાતો કરે છે. તો ક્યાંક ક્યાંક મતો મેળવવા ધારાસભ્યો કે ચૂંટણી લડતા ઉમેદવાર કે તેમના ટેકેદારો આમ લોકોને મત આપવા જાહેરમા કે ફોન દ્વારા ધમકીઓ આપી રહ્યા છે, જો મતો નહીં મળે તો શું પરિણામ આવશે તેમ કહીને જાહેરમાં બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે. અને તેમની ઓડિયો- વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેથી પ્રજાએ એક સમયે મુકેલા વિશ્વાસનુ હનન થઈ રહ્યું છે તેવી લાગણી સાથે આંતરીક આક્રોશ પણ ઉભો થઈ ગયો છે. પરંતુ પક્ષ કે તેના નેતા આ વાતને સમજી શકતા નથી કે સમજવા તૈયાર નથી તે પણ હકીકત છે…..!
ભારતના રાજકારણમાં ડાહી સાસરે જાય અને ગાંડી શીખામણ આપે તે કોઈ નવી વાત નથી રહી. મતદાતાઓ પણ સમજી ગયા છે કે આજનું રાજકારણ કેવા પ્રકારનું છે એટલે હવે મતદારો પણ ચૂંટણી વાયદા-વચનો, નેતાઓની વાતોના લેખાજાખા કરતા થઈ ગયા છે. કારણ અગાઉની અનેક ચૂંટણીઓમાં જે તે નેતા કે પક્ષે ચૂંટણીમાં કરેલા વચનોની લાણીમાં ભોળવાઈને મત પેટીઓ છલકાવી દીધી હતી. પરંતુ મોડે મોડે છેતરાયાનુ ભાન થતું ગયું અને રાજકારણીઓએ ચૂંટણી વચનોના કરેલા ટપલી દાવથી આજના ભારતના મતદારો ઘડાઈ ગયા છે. જાકે આજે પણ કેટલાક ભોળા ભલા મતદારો પણ છે. એટલે કેટલાક નેતાઓ કે પક્ષની લાલુયાવાડી ચાલે છે. પરંતુ બહુધા મતદાતા જાગૃત થઈ ગયા છે તેમજ શાણા પણ થઇ ગયા છે. એટલે સમય આવતા ભલભલા રાજકીય ખેરખાઓની ખબર લઈ નાખે છે. જે તદ્દન નગ્ન સત્ય છે….!
છેલ્લા ઘણા સમયથી રાજકીય ક્ષેત્રમાં વાણી વિલાસ સાથે જૂઠાણું પ્રવેશી ગયું છે. પ્રજાને નેતાઓ મુર્ખ બનાવતા આવ્યા છે પરંતુ જ્યારે નાના મોટા નેતા છેક નીચલા સ્તરના કે હવકી કક્ષાના ના શબ્દો જાહેરમાં વાપરે ત્યારે લોકો પણ શરમાઈ જાય છે અને બોલે છે કે આ આપણા નેતાઓ શું બોલી રહ્યા છે ?કોઈ લાજ-શરમ છે કે નહીં? પરંતુ તેમના મોઢે કોઈ કહેતું નથી કે પછી જાહેરમાં વિરોધ કરતા ડરતા હોય છે…! કારણકે આવા નેતાઓનો એક સમય હોય છે અને તે મર્યાદિત હોય છે. શબ્દો વાપરનાર સમજી શકતા નથી કે સમજવા પણ તૈયાર નથી કે આ આપણા મતદાતા છે…. આ એક સત્ય હકીકત છે….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



