દાંતીવાડા મુકામે રાજયપાલ ના અધ્‍યક્ષસ્‍થાને કૃષિ યુનિવર્સિટીનો ૧૪મો દિક્ષાંત સમારોહ યોજાયો

0
33

અહીંથી મેળવેલ જ્ઞાનને ખેડૂતો અને ખેતરો સુધી પહોંચાડી રાષ્‍ટ્રને સમૃધ્‍ધ બનાવીએ : રાજયપાલ ઓ. પી. કોહલી

ખેડૂતોના હિત અને કલ્‍યાણ માટે સરકાર સક્રિય અને સંકલ્‍પબદ્ધ છે : મંત્રી જયદ્રથસિંહજી પરમાર

બનાસકાંઠા જીલ્‍લાના દાંતીવાડા મુકામે કૃષિ યુનિવર્સિટી ખાતે રાજયપાલ  ઓ. પી. કોહલીના અધ્‍યક્ષસ્‍થાને કૃષિ યુનિવર્સિટીનો ૧૪મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી. કોહલીએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવતાં જણાવ્‍યું કે, અહીંથી મેળવેલ જ્ઞાન અને આવડતને ખેડૂતો અને ખેતરો સુધી પહોંચાડી વિકસીત અને સમૃદ્ધ રાષ્‍ટ્ર નિર્માણના યશભાગી બનીએ. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓએ અપાર મહેનત, ખંત, નિષ્‍ઠા અને સમર્પણભાવથી શૈક્ષણિક કાર્ય સંપન્ન કરી જે ડિગ્રી મેળવી છે તેનો સમાજ વિકાસ અને રાષ્‍ટ્ર વિકાસ માટે ઉપયોગ કરીએ.

રાજયપાલ ઓ. પી. કોહલીએ જણાવ્‍યું કે, કૃષિ ક્ષેત્ર દેશના કરોડો લોકોને રોજગારી આપતુ મહત્‍વનું ક્ષેત્ર છે. ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનીક ખેતીનો અભિગમ અપનાવે, માઇક્રો ઇરીગેશન અને ટેકનોલોજીનો ઉપયોગ કરે, બજાર વ્‍યવસ્‍થાને ધ્‍યાનમાં રાખી ખેતી કરે, જમીનની યોગ્‍યતા અનુસાર ખેતીપાકોનું વાવેતર કરી મબલખ ખેત ઉત્‍પાદન મેળવે તે માટે  ખેડૂતોને તેમની ભાષામાં તેમજ તેમને સમજાય તે રીતે માહિતી અને માર્ગદર્શન આપી ખેડૂતોને સમૃદ્ધ બનાવી અહીંથી મેળવેલ જ્ઞાનને સાર્થક કરીએ.

રાજયપાલ ઓ. પી. કોહલીએ કહ્યું કે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે. તેમાં કૃષિ યુનિવર્સિટીઓના પ્રયાસો મહત્‍વના રહ્યા છે. તેમણે જણાવ્‍યું કે સમાજ અને દેશ માટે આપણી જવાબદારીઓ હોય છે તેને કાળજીપૂર્વક નિભાવીએ. દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીની કામગીરી તથા પ્રગતિથી રાજયપાલશ્રીએ સંતોષ વ્‍યક્ત કર્યો હતો .ખેતીક્ષેત્રને સમૃદ્ધ કરી ભારતને વૈશ્વિક કક્ષાએ વિકસીત અને સમૃદ્ધ રાષ્‍ટ્ર બનાવવામાં કૃષિકારો પાયામાં રહેલા છે. તેઓના બળે જ જગતનું પોષણ થાય છે તેથી જ તેને જગતનો તાત કહેવામાં આવે છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

ગુજરાતમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓની કામગીરીની સરાહના કરતાં તેમણે જણાવ્યું કે, નવીન ટેકનોલોજી અને આધુનિક ખેત પદ્ધતિઓ વિશે ખેડૂતોને સજ્જ કરીને ખેતઉત્‍પાદનમાં મબલખ વધારો કરી ખેડૂતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ કરવામાં કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોનો મોટો ફાળો છે.

કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહજી પરમારએ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવતાં કહ્યું કે ખેડૂતોને સહાયરૂપ બનવા આપણા જ્ઞાન અને શિક્ષણનો ઉપયોગ કરી મેળવેલ ડિગ્રીને સાર્થક કરીએ. તેમણે કહ્યું કે, કૃષિક્ષેત્ર દેશના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપે છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર ઉત્તરોત્તર વધી રહ્યો છે તેમજ મોડેલ સ્‍ટેટ તરીકે આપણું ગુજરાત સમગ્ર દેશમાં પ્રેરણાદાયી બન્‍યું છે એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના હિત અને કલ્‍યાણ માટે સરકાર સક્રિય અને સંકલ્‍પબદ્ધ છે. સરકાર દ્વારા ખેડૂતોને અપાતી મબલખ સહાયની વિગતો  આપતાં તેમણે કહ્યું કે, વિકાસપુરૂષ તરીકે સમગ્ર વિશ્વમાં નામના ધરાવતા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના શાસનમાં દેશભરના ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મંત્રીએ જણાવ્‍યું, કે ખેડૂતોને મદદ કરવા સરકાર દ્વારા વિવિધ પાકો ટેકાના ભાવથી ખરીદવામાં આવે છે. ભૂતકાળમાં વિવિધ રાસાયણિક ખાતરો માટે ખેડૂતોને પારાવાર તકલીફ હતી પરંતુ હવે ખેડૂતોને પુરતા પ્રમાણમાં અને સરળતાથી જેટલુ જોઇએ તેટલુ ખાતર મળે છે એમ તેમણે જણાવ્‍યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY