ભાવનગર,તા.૯
ભેળસેળ કરતાં સાત વેપારીઓને રૂા. ૨૪ લાખનો દંડ કરાયો રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યચીજ મળી રહે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખાદ્યચીજમાં થતી ભેળસેળ રોકવા માટે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ નિયમીત હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યમાં ચેકીંગ દરમિયાન સાત વેપારીઓ સામે રૂા ૨૪ લાખનો દંડ કરાયો છે એમ, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર શ્રી એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે.
શ્રી કોશિયાએ ઉમેર્યું કે, તાજેતરમાં ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા જુદી જુદી વ્યક્તિ / પેઢીઓ સામે કરાયેલ એડજયુડીકેશન કેસોમાં ભેળસેળ કરનારાઓને ભારે દંડ કરવામાં આવ્યો છે. જે મુજબ ગાંધીનગર ખાતે આવેલી ગોકુલ ડેરી પ્રોડકટસ દ્વારા બનાવાયેલ ‘ગોકુલ બરફી’ મિસબ્રાન્ડેડ જાહેર થતા રૂ.૨ લાખનો દંડ, મે.કમલ આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેઝ દ્વારા બનાવાયેલ ધ ‘બ્રીજવાસી સ્પેશ્યલ બરફી’ મિસબ્રાન્ડેડ જાહેર થતા રૂ.૨ લાખનો દંડ, મે. પુનમ સ્વીટ એન્ડ પાર્લર દ્વારા બનાવાયેલ ‘કેરીનો રસ(લુઝ)’ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા રૂ.૨ લાખનો દંડ, અને મે. રાધેશ્યામ બેકરી પ્રોડકટસ દ્વારા બનાવાયેલ ‘ડ્રાયફ્રુટ નાનખટાઇ’ સબસ્ટાન્ડર્ડ એન્ડ મિસબ્રાન્ડેડ જાહેર થતા ૨ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લામાંથી લેવાયેલ ‘સ્વામીનારાયણ સ્પેશ્યલ ફરાળી લોટ’ માં ઉત્પાદક પેઢી શ્રદ્ધા ટ્રેડીંગ, કતાર ગામ, સુરત તથા વિક્રેતા પેઢીને સંયુકત રીતે રૂ.૫ લાખ તથા ‘જયશ્રી સ્વામીનારાયણ ફરાળી લોટ’ જેના ઉત્પાદક જયશ્રી સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગ, કામરેજ રોડ, સુરતને રૂ.૫ લાખનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ઘઉં તેમજ મકાઇના લોટની ભેળસેળ હોવાનું જણાઇ આવેલ. તેમજ ભાવનગર દ્વારા લેવાયેલ ‘શ્રી રાણી રીફાઇન્ડ કપાસીયા તેલ’નો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા વિક્રેતા કમ ઉત્પાદક પેઢી મે.અશીમ ટ્રેડર્સને રૂ.૬ લાખનો દંડ કરવામાં કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



