કેન્દ્રમાં ગમે તે સરકાર આવે ભાજપના કાર્યકરો કાશ્મીર માટે સતત લડતા રહેશે ઃ ભાજપ અધ્યક્ષ
બોનગાંવ,તા.૧
લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા શાબ્દિક પ્રહારો કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે મમતા બેનરજી ભારતમાંથી કાશ્મીરને અલગ પાડનારા તત્વોનો સાથ આપી રહ્યા છે.
બોનગાંવ ખાતે જાહેરસભાને સંબોધતા શાહે જણાવ્યું કે, ‘કેન્દ્રમાં કોઈપણ આવે પરંતુ કાશ્મીર ભારતનો અવિભાજ્ય હિસ્સો બની રહે તે સુનિશ્ચિત કરવા ભાજપ સતત લડાઈ ચાલુ રાખશે. આજે અમે સત્તામાં છીએ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. આગામી દિવસોમાં પણ તેઓ વડાપ્રધાન પદે યથાવત રહેશે. કોઈ એવો દિવસો પણ આવે જ્યારે ભાજપ સત્તામાં નહીં હોય, તેમ છતા અમારા કાર્યકરો કાશ્મીર માટે લડત ચાલુ રાખશે.
મમતા બેનરજીને આડેહાથ લેતા ભાજપ અધ્યક્ષે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા કાશ્મીર માટે અલગ વડાપ્રધાનના નિવેદન પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. દરમિયાન શાહે સભામાં ઘૂષણખોરોની તુલના ઉઘઈ સાથે કરી હતી જે દેશના સંશાધનોને કોરી ખાતા હોવાનું જણાવ્યું હતું. જા ભાજપ ફરી સત્તામાં આવશે તો આવા ઘૂષણખોરોને ખદેડી દેવાશે તેમ અમિત શાહે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકારના સાશનમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાનો પણ શાહે આક્ષેપ કર્યો હતો.
મમતા બેનરજી સરકારમાં બોમ્બ બનાવવાના એકમો સિવાય અન્ય એક પણ ઉદ્યોગો સ્થાપવામાં નથી આવ્યા તેમ કહીને અમિત શાહે ઉમેર્યું હતું કે જ્યારે સેનાએ પુલવામા આતંકી હુમલાનો બદલો લીધો ત્યારે પાકિસ્તાન ઉપરાંત રાહુલ ગાંધી અને મમતા બેનરજીએ ઉજવણી કરી ન હતી. તેઓ એર સ્ટ્રાઈકનો શોક મનાવી રહ્યા હતા. તેમને દેશની સુરક્ષા કરતા વોટબેન્કની વધુ ચિંતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



