બોટાદ,તા.૨૦
બોટાદનાં રાણપુર તાલુકાના જાળીલા ગામે ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામના જ શખ્સો સાથે અદાવત ચાલતી હતી. આ અંગત અદાવતને લઈ મનજીભાઈએ સરકાર પાસે રક્ષણની માગ કરી હતી. પણ જેવું જ સરકાર દ્વારા સુરક્ષા પાછી ખેંચાઈ હતી તેવામાં તેમની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી તેમ મનજીભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં મનજીભાઈ સોલંકી ઉપસરપંચ છે તેમજ તેમના ધર્મપત્ની ગીતાબેન સરપંચ છે. તેઓ પોતાના કામ અર્થે બાઈક પર જાળીલાથી બરવાળા તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી મારુતિ ઝેન કારમાં આવેલાં શખ્સોએ તેમને ટક્કર મારી પાડી દીધા હતા. કારમાં સવાર પાંચથી છ શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ભાજપના દલિત આગેવાન અને પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરાએ આ મામલે દરમિયાનગીરી કરીને ડેમજ કન્ટ્રોલરની ભૂમિકા ભજવી ઘટનાને રાજકીય સ્વરૂપ ન આપવા માટેની અપીલ ગ્રામજનોને કરી હતી. જાતિ આધારિત હુમલાની વાત કરવી વ્યાજબી નથી. આ કોઇ ભાજપ કે કોંગ્રેસની વાત નથી.
મનજીભાઈના પત્ની ૨૦૧૦માં સરપંચ તરીકે જીત્યા હતાં ત્યારથી ગામના શખ્સો સાથે તેમનું વેર ચાલતું હતું. અને અવારનવાર મનજીભાઈ પર હુમલાની ઘટનાઓ પણ બનતી રહેતી હતી. આ મામલે મનજીભાઈએ સુરક્ષાની માગણી કરતાં સરકારે એસઆરપી જવાન આપવામાં આવ્યો હતો. પણ પાંચ દિવસ પહેલાં જ સરકારે એસઆરપી જવાનની સુરક્ષા પરત ખેંચી લીધી હતી. જે બાદ થયેલ જીવલેણ હુમલામાં મનજીભાઈનું મોત નિપજ્યું હતું. પરિવારજનો પોલીસ ઉપર પણ મોતનો આરોપ લગાવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




