મેઘરજ, બોડેલીમાં ચાર ઇંચ, માલપુર-હાલોલમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ, અનેક ગામો સંપર્ક વિહોણા
છોટાઉદેપુર,તા.૫
રાજયના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે, છેલ્લાં ચોવીસ કલાકમાં છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ ૦૫/૧૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ૧૧૧ મિ.મી. એટલે કે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
જ્યારે મેઘરજ, માલપુર અને બોડેલી તાલુકામાં ૯૧ મિ.મી. થી વધુ, હાલોલમાં ૮૪ મિ.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજયના કુલ ૨૧૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
જયારે અન્ય ૩૩ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ અને એક ઈંચથી ઓછો વરસાદ તેમજ અન્ય ૫૪ તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. નસવાડીનાં નસવાડીની અશ્વિન નદી બે કાંઠે સુકાપુરા-વેગનાર સંપર્ક વિહોણા બન્યા હતા.
આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૭૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૬.૭૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૫.૯૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૪૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


