જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પડાયું
ભુજ, મંગળવાર
લોકસભા ચૂંટણી–૨૦૧૯ની આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે લોકપ્રતિનિધિત્વ અધિનિયમસ-૧૯૫૧ ની કલમ ૧૨૭(ક) ની જોગવાઇ મુજબ ચોપાનીયા, ભીંતપત્રો, પોસ્ટરો વગેરે મુદ્રણ પર નિયંત્રણ લાદવામાં આવેલ છે. આ અંગે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર મતી રેમ્યા મોહને જાહેરનામુ બહાર પાડી મુદ્રણ કામગીરી પર નિયંત્રણ માટેના આદેશ જારી કર્યા છે.
જાહેરનામા મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અનુસંધાને પત્રિકાઓ, પોસ્ટરો વગેરેનું મુદ્રણ અને પ્રકાશન નિયંત્રિત કરવામાં આવે છે. જે મુજબ કોઇ પણ વ્યકિત જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકાશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરાવી શકાશે નહીં.
કોઇ પણ વ્યકિત ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીતપત્રો તેની સહી વાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય એવી બે વ્યકિતઓએ સહી કરેલ, પ્રકાશનની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી જરૂરી છે. લખાણ છપાયા બાદ મુદ્રકે યોગ્ય સમયની અંદર લખાણની એક નકલ સાથે એકરાર પત્રની એક નકલ મુખ્ય ચૂંટણી અધિકારી અથવા જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવી જરૂરી છે. આ જોગવાઇઓનો ભંગ કરનાર વ્યકિત છ (૬) માસ સુધીની કેદ અથવા બે હજાર રૂપિયા સુધીના દંડની અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.
વધુમાં જણાવ્યા અનુસાર ચૂંટણીને લગતું ચોપાનીયું અથવા ભીંતપત્રની વ્યાખ્યામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલ ઉમેદવાર કે ઉમેદવારના જૂથ ચૂંટણીને તકો વધારવા કે તેને પ્રતિકૂળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કોઇ છાપેલું ચોપાનીયું, હેન્ડબીલ અથવા સૂત્ર પાટિયું અથવા ભીંતપત્ર એવો અર્થ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



