તા.૧ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન ડાંગ જિલ્લામાં હાથ ધરાશે સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ કાર્યક્રમ

0
102

(ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવાઃ તાઃ ૨૪ઃ સ્વચ્છતાના સંખ્યાત્મક અને ગુણાત્મક મૂલ્યાંકન દ્વારા ગુણાનુક્રમ આપવા માટે, સ્વતંત્ર એજન્સી દ્વારા તટસ્થ મૂલ્યાંકનની કામગીરીનો આયામ, રાષ્ટ્ર સમસ્તની જેમ ડાંગ જિલ્લા પ્રશાસને પણ હાથ ધર્યો છે, તેમ ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ બાદ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ કાર્યક્રમ-૨૦૧૮ની રૂપરેખા અને કાર્યપદ્ધતિ તથા માર્ગદર્શન આપવા માટે યોજાયેલી એક જિલ્લા કક્ષાની બેઠકને સંબોધતા, શ્રી પટેલે સ્વચ્છતા જેવા રાષ્ટ્રીય કાર્યક્રમની અગત્યની બેઠકમાં ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે લાલ આંખ કરતા, તેમને નોટીસ ઇસ્યૂ કરવાની સૂચના આપી, બેઠકમાં મોડા આવનારા અધિકારીઓની પણ ઝાટકણી કાઢી હતી.

દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના એસ.બી.એમ. ડીસ્ટ્રીક્ટ કો ઓર્ડિનેટર શ્રી વિપૂલ પરદેશીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ કાર્યક્રમ-૨૦૧૮ની કાર્યપદ્ધતિ વર્ણવી ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના અધિકારી/કર્મચારીઓની ભૂમિકાનો ખ્યાલ આપ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, તા.૧લી ઓગષ્ટથી ૩૧મી ઓગષ્ટ, ૨૦૧૮ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સ્તરની એક ટીમ ડાંગ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે. જેમાં જિલ્લાની ૭૦ ગ્રામ પંચાયતો પૈકી રેન્ડમલી ૧૦ ગ્રામ પંચાયતો, તેમા સમાવિષ્ટ ગામો, અને નાગરીકોને મળી ગુણાનુક્રમ આપશે. વિશેષ કરીને આ તમામ કસરત દરમિયાન ગ્રામીણ કક્ષાએ શાળા, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, સસ્તા અનાજની દુકાનો અને ધાર્મિક સ્થળોની મુલાકાતને પ્રાધાન્ય અપાશે. આ સ્થળોએ શૌચાલય, ઉકરડા/કચરાની સ્થિતિ, ખાડા/ખાબોચિયામાં ભરાયેલા પાણી સહિત ગ્રામીણજનોના અભિપ્રાયો પણ મેળવશે. તે પૂર્વે ડાંગ જિલ્લાની તમામે તમામ ૭૦ ગ્રામ પંચાયતો દ્વારા તેમના કાર્યવિસ્તારના ગામોના સ્વચ્છતા સંબંધિત તમામ ડેટાને ઑનલાઇન પોર્ટલ ઉપર અપલોડ કરાશે. જેના આધારે આ ચકાસણી ટીમ કોઇપણ દસ ગ્રામ પંચાયતોની આકસ્મિક મુલાકાત લઇને, ગુણાનુક્રમ આપશે.

સ્વચ્છતા સંબંધિત શ્રેષ્ઠ કામગીરી અને ગુણાનુક્રમ મેળવનારા જિલ્લા/તાલુકા અને ગ્રામ પંચાયતોને આગામી તા.રજી ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ સન્માનિત પણ કરાશે, તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયસુખભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું.

બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હળપતિ સહિત સુબિર અને વધઇના તાલુકા વિકાસ અધિકારીઓ સર્વશ્રી એમ.ડી.વણકર અને નરેશ પટેલ સહિત જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓના અધિકારીઓ, કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા નિભાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY