ગુમલા,તા.૨૫
ઝારખંડ વિધાનસભા ચૂંટણી-૨૦૧૯ માં ભાજપની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે ચૂંટણી રેલી યોજીને કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા હતા. મોદીએ ડાલ્ટનગંજ અને ગુમલાની ચૂંટણીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ માટે વર્ષો સુધી આર્ટિકલ ૩૭૦ અને અયોધ્યાના રામ મંદિરનો મામલો લટકાવી રાખ્યો હતો. જે હવે આપણે સુપ્રિમ કોર્ટ દ્વારા તેનો સુખદ ઉકેલ લાવી શક્યા છીએ. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સમસ્યાની માતા છે, જ્યારે ભાજપ સમાધાનની માતા છે. કોંગ્રેસે અયોધ્યાના મુદ્દાને વોટ બેંક માટે લટકાવી દીધો હતો.. પીએમ મોદી એ કહ્યું કે કોંગ્રેસે તેના શાસનમાં લોકો વચ્ચે તિરાડ નહીં પણ દિવાલ બનાવવાનું કામ કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે પાંચ સૂત્રિય સિધ્ધાંતો જેમ કે સ્થિરતા, સુશાસન, સમૃદ્ધિ, આદર અને સુરક્ષા પર કામ કરીએ છીએ. ભાજપે ઝારખંડમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે રાત-દિવસ મહેનત કરી છે. ભાજપે સમાજના દરેક નાગરિકનું ગૌરવ વધાર્યું છે. ભાજપ સરકારો સેવા અને સમર્પણ સાથે કામ કરે છે. ઝારખંડના ભાવિ મુખ્ય પ્રધાન રઘુવરદાસને ઉદ્દેશીને તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકારે તમારી સારી સેવા કરી છે. કમળનું નિશાન જોઇને ફરી એકવાર બટન દબાવો અને ભાજપ સરકાર બનાવો.
મોદીએ કહ્યું કે ભાજપ સરકારોએ આદિવાસી નેતૃત્વને માન આપીને તેમને આગળ વધાર્યા છે. ઝારખંડની હસ્તીઓ માટે પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભગવાન બિરસા મુંડા માટે રાંચીમાં એક ભવ્ય સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. જે આદિવાસીઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. આદિવાસીઓએ ભગવાન શ્રી રામને માર્ગ બતાવ્યો હતો અને રાજકુમાર રામ ૧૪ વર્ષના વનવાસ બાદ મર્યાદા પુરુષોત્તમ રામ બન્યા તે સમય આદિવાસીઓની વચ્ચે વિતાવ્યો હતો. વનવાસ દરમિયાન ભગવાન રામે ગુમલા નજીક સમય પસાર કર્યો હતો. અહીં તેમના પ્રિય હનુમાન અંજારધામમાં રહેતા હતા.
તેમણે કહ્યું કે તમે બધા મને સાંભળવા આવ્યા છો, તે બદલ તમારો આભાર. રાંચીમાં સમાન સરકારની રચના કરવાની છે જેથી કેન્દ્ર અને રાજ્ય ગતિ રાખી શકે. હવે મતદાનના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરવાનું અને ફરીથી ઝારખંડમાં ભાજપ સરકાર બનાવવાનું વચન તમારે પાળવાનું છે એમ કહીને તેમણે. ભારત માતા કી જય ના નારા લગાવીને તેમના સંબોધનની સમાપ્તિ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


