જામનગર,તા.૧૭
જામનગરમાં ડેન્ગ્યુથી યુવતી ચાર્ટડ એકાઉટન્ટનું મૃત્યુ નીપજ્યું છે. ડેન્ગ્યુના કેસમાં ઘટાડો નોંધાયો છે પરંતુ રોગચાળો નાબૂદ થવાનું નામ ન લેતા વધુ ૨૯ પોઝિટીવ કેસ નોંધાયા છે. ૩૫ દર્દીઓ સ્વસ્થ બનતાં જી.જી.હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગરમાં છેલ્લાં સપ્તાહથી ડેન્ગ્યુના કેસમાં ઘટાડો નોંધાતા તંત્રએ આંશિક રાહત અનુભવી છે.આ સ્થિતિમાં ડેન્ગ્યુના કારણે યુવતીનું મૃત્યુ નીપજતાં આરોગ્ય તંત્ર પુનઃ ધંધે લાગ્યું છે. મૃતક યુવતીના એક મહિના બાદ લગ્ન થવાના હતા.
સૌરાષ્ટ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં રોજ પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે. શિયાળાની શરૂઆત છતાં ડેન્ગ્યુનો રોગચાળો જવાનું નામ લેતો નથી. સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ ડેન્ગ્યુને કારણે ૧૭ વ્યક્તિના મોત નીપજ્યા છે.
મળતી વિગત અનુસાર ત્રણેક દિવસ પહેલા શહેરમાં કાલાવડ નાકા બહાર વચલીફળીમાં મહોમદી મહોલ્લા પાસે રહેતી ચાર્ટડ એકાઉન્ટન્ટ જૈનબબેન જુઝેરભાઇ ભારમલ(ઉ.વ.૨૧)ને તાવ આવતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પરંતુ તબિયત વધુ લથડતાં તેણીને વધુ સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી બાજુ શનિવારના જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ ૨૯ પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુની સારવાર લઇ રહેલા ૩૫ દર્દી સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


