જામનગર,તા.૧૦
જામનગરમાં સમર્પણ ચોકડી પાસે સત્યમ કોલોની રોડ પર અન્ડરબ્રિજમાં બે દિવસ પૂર્વે ખાનગી પેઢીના કર્મચારીને માર મારીને બુકાનીધારી બાઇક સવાર ત્રિપુટીએ રૂ.૧૧.૧૪ લાખની રોકડ, એક મોબાઇલ સહિત રૂ.૧૧.૧૯ લાખની લૂંટ ચલાવી નાસી છૂટયાના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં લુંટારૂ ત્રિપુટી, કાવતરૂ ઘડનાર અને ટીપ આપનાર સહિત પાંચ શખ્સોને પકડી પાડી રૂ.૫.૨૦ લાખની રોકડ, બાઇક, મોબાઇલ અને કાર સહિતની મત્તા કબ્જે કરી હતી. આલાભાઇ રાઠોડ ત્રણ પેઢીમાંથી રોકડનુ કલેક્શન કરીને સમર્પણ ચોકડી નજીક સત્યમ કોલોની રોડ પર અન્ડરબ્રિજમાંથી બાઇક પર પસાર થઇ રહ્યો હતો જે વેળાએ ત્રિપલ સવારીમાં બાઇક પર ધસી આવેલી ત્રિપુટી ૧૧.૧૪ લાખની રોકડ અને મોબાઇલ સહીત થેલાની લૂંટ ચલાવીને નાશી છૂટી હતી.
આ બનાવની જાણ થતા જ પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા હતા અને લુંટારૂના સગડ દબાવવા માટે કવાયત હાથ ધરી હતી જે વેળા એલસીબી પોલીસની ટૂકડીને લૂંટમાં સંડોવાયેલા ઇસમો ઠેબા નજીક બાવળની ઝાડીમાં લૂંટના પૈસાનો ભાગ પાડવા એકત્ર થવા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ કાફલાએ ત્વરીત ધસી જઇ પાંચ આરોપી ભાવીન પ્રદિપભાઇ હેડાવ, ચિરાગ સતીષચંદ્ર પંડયા, ઇરફાન ઉર્ફે બેટરી કરીમભાઇ, શબ્બીર ઉર્ફે શબલો ઉર્ફે ડમી હનીફભાઇ અને ફારૂક ઇબ્રાહિમ સોઢાને દબોચી લીધા હતા. જ્યારે આ લૂંટ પ્રકરણમાં અનીસ અશરફ ખલીફા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. પકડાયેલી ટોળકીની પોલીસે રીમાન્ડની તજવીજ સાથે સધન પૂછપરછ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




