મુંબઇ,તા.૨૯
સોમવારે ઠાકરે સરકારની કેબિનેટનું એક્સપાન્શન નક્કી છે, પરંતુ તેમ છતાં કોને પ્રધાનપદ મળશે અને કોને નહીં, તે મામલે હજુ કોઈ સ્પષ્ટતા નથી તેમજ નેતાઓમાં ઉચાટ પણ છે એટલું જ નહીં, દરેક નેતા પોતાના મનમાં થનગને છે અને પ્રતીક્ષામાં છે કે તેમને કેબિનેટ કે રાજ્યકક્ષાના પ્રધાનપદ મળશે. મીડિયાના અહેવાલોમાં ઘણા સંભવિત નામો ફરી રહ્યા છે, પરંતુ તમામ પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર મોટે ભાગે શપથવિધિની અમુક કલાકો પહેલા જ નેતાઓને જાણ કરવામાં આવે છે, જેથી મનામણાં-રિસામણાંથી બચી શકાય. સૌથી મોટું સસ્પેન્સ એનસીપીના નેતા અજિત પવારને લઈને છે. અજિત પવારે મહાવિકાસ આઘાડીની ચર્ચાઓ સમયે ભાજપ સાથે હાથ મિલાવી નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા અને તે સરકાર માત્ર ૮૦ કલાકમાં પડી ભાંગી હતી. આ દરમિયાન અજિત પવારને પક્ષના વિધાનમંડળના નેતાપદ પરથી હાંકી કઢાયા હતા. જોકે બે દિવસમાં
પાંસા પલટાયા હતા અને અજિત પવાર ફરી એનસીપીમાં આવી ગયા હતા. તેમના આ વર્તનથી કાકા અને પક્ષના વડા શરદ પવાર નારાજ હોવાથી તેમને નાયબ મુખ્ય પ્રધાનપદ મળશે કે નહીં તે મામલે સસ્પેન્સ કાયમ છે. અજિત પવારે જણાવ્યું હતું કે આ અંગેનો નિર્ણય પક્ષ કરશે.
આ ઉપરાંત ઘણાં મોટા નેતાઓના પત્તા કટ થાય અને નવા ચહેરાને તક મળે તેમ પણ માનવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



