નાગપુર,તા.૮
દશેરા પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મોદી સરકારના વખાણ કર્યા. નાગપુરમાં વાર્ષિક પથ સંચાલન કાર્યક્રમને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું કે છેલ્લાં ઘણા દિવસથી દેશમાં ઘણું બધુ સારું ચાલી રહ્યું છે. આ સરકારે કેટલાંય મોટા નિર્ણયો લઇને દેખાડી દીધું છે કે તેમનામાં જનાભાવનાની સમજણ છે. સરકારની પાસે નક્કર નિર્ણય લેવાની ક્ષમતા છે. આપણો દેશ પહેલાં કરતાં વધુ સુરક્ષિત છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી સરકારે મોટું પગલું ભર્યું છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી તે સરકારની મોટી સિદ્ધિ છે. ચંદ્રયાન-૨એ વિશ્વમાં ભારતનું માન વધાર્યું છે.
મોબ લિંચિંગના મુદ્દા પર ભાગવતનું કહેવું છે કે કાયદા વ્યવસ્થાની મર્યાદાનું ઉલ્લંઘન કરી હિંસાની પ્રવૃતિ સમાજમાં પરસ્પર સંબંધોને નષ્ટ કરી પોતાનો પ્રતાપ દેખાડે છે. આ પ્રવૃતિ આપણા દેશની પરંપરા નથી અને ના તો આપણા સંવિધાનમાં આવે છે. કેટલા પણ મતભેદ હોય, કાયદો અને સંવિધાનની મર્યાદામાં રહો. ન્યાય વ્યવસ્થામાં ચાલવું પડશે. મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ સાથે સંઘને કોઈ લેવા-દેવા નથી.
ભાગવતે કહ્યું કે આરએસએસનું પહેલું આંદોલન જ દેશમાં એક વિધાન અને એક પરિધાન માટે હતું. આ સરકારમાં પ્રજાએ વિશ્વાસ દેખાડયો છે. સરકારે કોઇપણ મોટા નિર્ણય લઇને કરી દેખાડયું કે જનભાવનાની સમજ છે. ગુરૂનાનકની ૫૫૦મી જયંતી, મહાત્મા ગાંધીની ૧૫૦મી જંયતી, લોકસભા ચૂંટણી જેવી કેટલીય ઘટનાઓ છે જેના કારણે આ વર્ષ વર્ષો સુધી સંસ્મરણમાં રહેશે. આ દરમિયાન સંઘ પ્રમુખે અન્ય રાજકીય પાર્ટીઓ પર નિશાન પણ સાધ્યું. તેઓએ કહ્યુ કે, દેશમાં ઘણું બધું સારું થઈ રહ્યું છે. પરંતુ અફસોસ છે કે કેટલાક લોકોને આ ફેરફાર પસંદ નથી આવી રહ્યો.
આરએસએસ ચીફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સણસણતો જવાબ આપ્યો હતો. ભાગવતે કહ્યું હતું કે, કેટલાંક લોકો સંઘ અંગે કોઇપણ પ્રકારની જાણકારી ધરાવતા જ નથી. તેઓ માત્ર સંઘને જાણ્યા કે સમજ્યા વગર જ કુપ્રચાર કર્યે રાખે છે. કેટલાક લોકો પોતાની ભૂલો છુપાવવા માટે સંઘને જ કોસે છે. આ મંત્ર ઇમરાન ખાને પણ શીખી લીધો છે. હવે ઇમરાન ખાન પણ આ વાત શીખી ગયા છે.
તેમણે કહ્યું કે અમારા માર્ગના રોડા, અડચણો અને અમને રોકનારની ઇચ્છા ધરાવતી શક્તિઓના કારનામા હજુ સમાપ્ત થયા નથી. અમારી સામે કેટલાંય સંકટ છે જેનો ઉપાય અમારે કરવાનો છે. કેટલાંક પ્રશ્ન છે જેના જવાબ અમારે આપવાના છે અને કેટલીક સમસ્યાઓ છે જેનું નિદાન કરીને અમારે તેને ઉકેલવાની છે.
મોહન ભાગવતે કહ્યું કે આપણી સ્થલ સીમા અને જળ સીમાઓ પર સુરક્ષાની સતર્કતા પહેલેથી સારી છે. માત્ર સ્થળ પર સરહદ પાર રક્ષક અને ચોકીઓની સંખ્યા અને જળ સીમા પર નજર વધુ વધારવી પડશે. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામા ઘટાડો આવ્યો છે. ઉગ્રવાદીઓના આત્મસમર્પણની સંખ્યા પણ વધી છે.
મોહન ભાગવતે આ દરમિયાન દેશની હાલની આર્થિક સ્થિતિની પણ વાત કરી. તેઓએ જણાવ્યું કે, મારા એક મિત્ર અર્થશાસ્ત્રના જાણકાર છે. તેઓએ કહ્યુ કે મંદીનો સમય તેને કહે છે, જ્યારે આપનો વિકાસ દર ઝીરો થઈ જાય. પરંતુ આપણો જીડીપી દર તો ૫ ટકા છે, આપણે અત્યારે ચિંતા કરવાની શું જરૂર છે. આપણે જીડીપી પર ચર્ચા તો કરવી જોઈએ, પરંતુ ચિંતા નહીં. સરકાર આ સમયમાંથી બહાર આવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




