રાફેલ મુદ્દે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રિમમાં અનાદરની અરજી દાખલ કરી હતી
ન્યુ દિલ્હી,તા.૧૫
રાફેલ યુદ્ધ વિમાન મામલે વડાપ્રધાન મોદી પર હુમલો કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે. ‘ચોકીદાર ચોર છે’ ના નિવેદન પર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ ફટકારી છે અને ૨૨ એપ્રિલ સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો છે. રાહુલ ગાંધી સામે કોર્ટની અવગણના કરવા માટે આ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી ૨૩ એપ્રિલે થશે.
રાહુલ ગાંધી પર કોર્ટના નિવેદનને ખોટી રીતે રજુ કરવાનો આરોપ છે. આરોપ મુજબ રાહુલે એક નિવેદનમાં કહ્યું કે ચોકીદાર ચોર છે તેવું સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેંચે કહ્યું છે કે, કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોઈ જ ટિપ્પણી કરી નથી.
રાફેલ મુદ્દે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કોર્ટના અનાદરની અરજી દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને ૨૨ એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
સોમવારે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્વીકાર્યું કે, અમે આવું કોઈ નિવેદન આપ્યું નથી. અમે આ મામલે ખુલાસો માંગીશું. કોર્ટે કહ્યું કે, અમે તે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જે પણ વિચાર કોર્ટ વિશે મીડિયામાં કહેવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા છે. આ મામલે અમે સંપૂર્ણપણે ખુલાસો માંગીએ ચીએ. અમને આશા છે કે રાહુલ ગાંધી આ વિશે ખુલાસો કરશે.
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટનો અનાદર) અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે રાફેલ મામલે ગોપનીય દસ્તાવેજને પણ ચર્ચાનો ભાગ બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશની કોંગ્રેસ અધ્યક્ષે ખોટી રીતે રજુઆત કરી છે. મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ‘ચોકીદાર ચોર હૈ’ના પોતાના નિવેદનને સુપ્રીમ કોર્ટના નિવેદનની જેમ રજુ કર્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


