‘પોલીસ પ્રજાનો મિત્ર’ એ સૂત્ર સાચા અર્થમાં સાકાર થશે : રૂપાણી
સુરત, તા.૧
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લોકભાગીદારી દ્વારા રૂ.૬.૫૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલા કતારગામ સ્માર્ટ પોલિસ સ્ટેશનનું લોકાર્પણ આજરોજ સંપન્ન થયું હતું. સુરત શહેર પોલિસ અને પોલિસ વેલ્ફેર ટ્રસ્ટ,સુરત દ્વારા લોકભાગીદારીથી ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને ‘પોલિસ સર્વનો મિત્ર છે’ એ વાતને સચોટ રીતે સાર્થક કરતા અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથેના આ ભવનમાં ૪૦ હજાર સ્કે.ફુટમાં તૈયાર થયેલા અદ્યતન બિલ્ડીંગમાં સી.સી.ટી.વી. કેમેરા, સોલાર પાવર પ્લાન્ટ, જિમ વાઈફાઈ, બાળકો માટેના કલરફુલ પ્લે કોર્નર અને આધુનિક ફાયર સેફ્ટી સહિતની અત્યાધુનિક સવલતો ઊભી કરવામાં આવી છે.
પોલિસ જવાનો તણાવમુક્ત રહી શકે તે માટે મેડીટેશન રૂમ(ધ્યાન કક્ષ), મહિલાઓ માટે આરામ કક્ષ, બાળકો માટે ઘોડિયા ઘર, મુલાકાતીઓ માટે કોમ્પ્યુટર રૂમ, પાંચ માળ ધરાવતાં આ પોલિસ સ્ટેશનના પ્રવેશદ્વારે જ સરદાર વલ્લભભાઈ પટેલની ઉડીને આંખે વળગે તેવી સોનેરી પ્રતિમાની સ્થાપના કરાઈ છે. પોલિસ સ્ટેશનનું નામ ‘‘સરદાર સુરક્ષા ભવન’’ રાખવામાં આવ્યું છે.
અત્યાર સુધી એવું બનતું રહ્યું છે કે, પોલિસ સ્ટેશનમાં ભારતના દિગ્ગજ નેતાઓની તસ્વીર રહેતી હોય છે પણ આ પોલિસ સ્ટેશન એવું છે જ્યાં પ્રવેશદ્વાર પર જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવામાં આવી છે. મૂલતઃ પોલિસ સ્ટેશન એટલે ભયનો ભાવ એવું ગણાતું હતું પણ અહીં તમને પ્રવેશ સાથે ‘પોલિસ સર્વનો મિત્ર’ છે એવી અનુભૂતિ થયા વિના રહે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


