સુરત,તા.૧૧
સરથાણામાં રહેતા રૂપિયા ૨૫ હજારના પગારદારના વ્યકિતના આઇડી પ્રૂફનો દુરુપયોગ કરી બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલાવી ભેજાબાજાએ અધધધપ રૂપિયા ૧૦.૫૮ કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યુ હતું. જેમાં તેમને ઇન્કમટેક્સની રૂપિયા ૪૮ લાખની ડિમાન્ડ નોટિસ મળતા સરથાણાના રહીશ ચોંકી ગયા હતા અને સમગ્ર મામલો વરાછા પોલીસમાં પહોંચ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સરથાણામાં વ્રજચોકમાં વ્રજદર્શન રેસિડેન્સીમાં રહેતા લલિતભાઇ ગોવિંદભાઇ ઠોળિયા (ઉ.વ.૪૫, મૂળ પ્રેમગઢ, જેતપુર, રાજકોટ) કમિશનથી લેબનું કામ કરે છે. રૂપિયા ૨૦-૨૫ હજારના પગારદાર લલિતભાઇના પુણાગામના વિક્રમનગરમાં આવેલા જૂના મકાન પર બે મહિના પહેલાં ઇન્કમટેકસની નોટિસ આવી હતી.
ઉપરાછાપરી ૩ નોટિસ મળતા લલિતભાઇ ગભરાઇ ગયા હતા, જેથી તેઓ આ નોટિસ લઇ ઇન્કમટેક્સની ઓફિસે ગયા હતા. જ્યાંના અધિકારી થકી જૂની બોમ્બે માર્કેટ ખાતે આવેલી અલાહાબાદ બેંકમાં તેમના પાનકાર્ડ, લાઈસન્સ સહિતના ડોકિયુંમેન્ટ્સના આધારે મેસર્સ માનશી ક્રિએશન અને મેસર્સ મહેક ફેબ્રિક નામના એકાઉન્ટ ખોલાવ્યા હોવાની જાણ થઇ હતી.
આ બંને બેંક એકાઉન્ટ લલિતભાઇએ ખોલાવ્યા ન હોય તેઓએ બેંકનો સંપર્ક કર્યો હતો. કોઇ ત્રાહિત વ્યકિતએ લલિતભાઇના ડોકિયુંમેન્ટ્સનો દુરુપયોગ કરી બેંકમાં બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હોવાનો ભાંડો ફૂટયો હતો. ભેજાબાજાએ તા.૧૪-૧૨-૧૦ના રોજ આ બંને બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તા.૧૧-૨-૧૨થી ૧૪-૩-૧૨ના સમયગાળામાં આ બંને ખાતાઓમાં ખૂબ જ મોટાપાયે ટ્રાન્ઝેક્શનો કર્યા હતા.
એક મહિનામાં બંને બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ૧૦.૫૮ કરોડના ટ્રાન્ઝેક્શનો થયા હતા. ડોકિયુંમેન્ટ્સનો દુરુપયોગ કરી બેંકમાં ડમી એકાઉન્ટ ખોલાવી કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા સામે લલિતભાઇએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યાઓ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



