સુરત,તા.૨૯
ભેસ્તાન આવાસમાં રહેતા અને ત્રીજા ધોરણમાં ભણતા બે બાળકો પતંગ ચગાવી રહ્યાં હતા ત્યારે દોરી હાઈટેન્શનલ લાઈનમાં ફસાઈ હતી. ચાઈનિઝ દોરી બન્ને બાળકો ખેંચી રહ્યાં હતાં ત્યારે હાઈટેન્શનનો વીજ તાર તૂટીને એક બાળક પર પડ્યો હતો. જેથી તે સળગી ઉઠ્યો હતો. જ્યારે બીજા બાળક પણ દાઝ્યો પરંતુ તેને વધુ ઈજા પહોંચી નથી. બાદમાં દાઝેલા બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં હાલ એક બાળકને ગંભીર બતાવવામાં આવી રહ્યો છે.
મૂળ મહારાષ્ટ્રના વતની કિરણ વાનખેડેએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર આર્યન (ઉ.વ.આ.૮) અને તેનો મિત્ર હિમાંશુ સંજય દાસ (ઉ.વ.આ.૭) સરકારી શાળામાં ધોરણ ૩માં અભ્યાસ કરે છે. તેઓ બન્ને ધાબા પર ઉભા રહીને પતંગ ઉડાવી રહ્યાં હતાં. આ દરમિયાન પતંગનો દોરો ખેંચતી વખતે ઈલેક્ટ્રીક વાયર પણ તૂટ્યો હતો.જેથી આર્યન ખૂબ દાઝી ગયો હતો. જ્યારે બીજા છેડો હિમાંશુ પર પણ પડ્યો હતો પરંતુ તે થોડો દાઝ્યો હતો. બાળકોને તેઓ રિક્ષામાં સિવિલ હોસ્પિટલ લાવ્યાં હતાં.
ચાઈનિઝ દોરા પર વર્ષોથી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે આ બાળકો પાસે ચાઈનિઝ દોરો ક્્યાંથી આવ્યો તે સવાલ ઉઠી રહ્યાં છે. દરવર્ષે તંત્ર દ્વારા ઉતરાયણ વખતે ચાઈનિઝ દોરા વિરુધ્ધ અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ આ પ્રકારની દુર્ઘટના દરવર્ષે ચાઈનિઝ દોરાના કારણે સર્જાતી હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






