સુરત, તા.૨૦
ઉકાઈ ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થતા માત્ર પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે ઉકાઈ ડેમ ઓથોરિટી દ્વારા આજથી સિંચાઈ માટે પાણી છોડવાનું બંધ કરી દેવાયું છે. ગત વર્ષે આજની તારીખે ઉકાઈ ડેમની સપાટી ૨૮૪.૯૯ ફૂટ હતી. જ્યારે આજરોજ ડેમની સપાટી ૨૭૯.૬૪ ફૂટ છે. એટલે કે ગત વર્ષ કરતા આજે ડેમનું જળસ્તર ૧૪ ફૂટે ઓછું છે તેથી સિંચાઈ માટે પાણી છોડવાનું બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે.
ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ગત ચોમાસા દરમિયાન ઠીક ઠીક પ્રમાણમાં વરસાદ પડતા ઉકાઈ ડેમ ક્ષમતા મુજબ સંપૂર્ણ ભરાયો ન હતો તેથી જ ઉકાઈ ડેમના સત્તાધીશોએ આખુ વર્ષ પાણીના ઉપયોગમાં કરકસર કરી સિંચાઈના રોટેશનમાં પણ ઘટાડો કરવાની ફરજ પડી હતી. દરમિયાન આગામી જુલાઈ મહિનામાં ડેમમાં નવા પાણીની આવક શરૂ થવાની સંભાવના છે અને તેથી જુલાઈ માસ સુધી પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો અનામત રાખવાની આવશ્યકતા ઉદ્ïભવી છે, તેથી જ આજથી ઉકાઈ ડેમમાંથી સિંચાઈ માટે છોડાતું પાણી સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.
આજની તારીખે ઉકાઈ ડેમની સપાટી ૨૭૯.૬૪ ફૂટ છે અને ડેમમાં ૩૩૫ એમસીએમ જીવંત પાણીનો જથ્થો છે. ગત વર્ષે આજની તારીખે ડેમની સપાટી ૨૮૪.૯૯ ફૂટ હતી અને ડેમમાં ૯૭૪ એમસીએમ પાણીનો જથ્થો હતો. આ મુજબ ગત વર્ષ કરતા આજની તારીખે ડેમની સપાટી ૧૪ ફૂટ ઓછી છે.
ઉકાઈ ડેમના સત્તાધીશોએ આપેલી માહિતી મુજબ જુલાઈ તથા ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણીની અછત ન ઉદભવે એટલું પાણી ડેમમાં ઉપલબ્ધ છે અને પીવાના પાણીની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટે ડેમનું પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષ ૨૦૧૮ અગાઉ ૨૦૦૧માં ડેમની સપાટી ૨૭૨.૧૧ ફૂટ સુધી નીચે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત ૨૦૧૬માં ૨૮૩.૫૫ ફૂટ ડેમની સપાટી નોંધાઈ હતી. તે સમયે પણ પીવાના પાણીની સમસ્યા ઉદભવી ન હતી. તેથી હાલ પીવાના પાણી માટે કોઈ ચિંતાજનક બાબત નથી. દક્ષિણ ગુજરાતમાં પીવાના પાણીની જરૂરીયાત મુજબ ઉકાઈ ડેમમાં પર્યાપ્ત માત્રા જેટલો પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


