સુરત,તા.૩
ક્રિપ્ટો કરન્સીનું હબ ગણાતા સુરતમાં વધુ એક ક્રિપ્ટો કરન્સી રીગલના નામે છેતરપીંડી કરવામાં આવી હોવાની સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમમાં બિટકોઈન સ્કેમમાં માસ્ટર માઈન્ડ દિવ્યેશ દરજી, તેની દીકરી સહિત ચાર સામે ફ્રોડની ફરિયાદ નોંધવવામાં આવી છે. જેમાં એકની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લખનિય છે કે, બિટકોઈન કૌભાંડ બાદ દેકાડો, ટોરસ બાદ રીગલ કોઈન સામે આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ૨૦૧૭માં અડાજણ ખાતે ક્રિપ્ટો કરન્સી રીગલ કોઈન નામની વેબસાઈટ ખોલી વિશાલ રતિલાલ સાવલિયા સહિતના સાહેદોને રીગલ કોઈનમાં લાખોનું રોકાણ કરાવ્યું હતું. દિવ્યેશ આણી ટોળકીએ રીગલ કોઈનનું લંડન ખાતે રજિસ્ટ્રેશન હોવાની વાત જણાવી રોકાણ કરાવ્યું હતું. જ્યાં ૯૯ દિવસમાં મૂળ મુદ્દત પરત કરવાની સાથે રોબોટિક ટ્રેડીંગ પ્રોફિટ આપવાની લોભામણી લાલચો આપી હતી. આ સિવાય દર ૧૧ દિવસે ૧ ટકાથી લઈ ૧૬ ટકા સુધીનું ઊંચું વ્યાજ અને વળતર આપવાની સ્કીમો બતાવી ૪૫ લાખથી વધુની છેતરપીંડી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


