૯૧માં બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સુરત, તા.૧૩
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં બારડોલી ખાતે ૯૧મા બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, સરદાર પટેલની દેશભક્તિ અને કર્મઠતા અવિસ્મરણીય છે. મંત્રીશ્રીએ વિધાનસભામાં ધારાસભ્ય તરીકેના પોતાના પ્રથમ ભાષણ દરમિયાન બારડોલીને સરદારની ‘જન્મભૂમિ’ અને કર્મભૂમિ કહી હતી. જેનાથી વિધાનસભામાં આશ્ચર્ય ફેલાયું હતું, પરંતુ હકીકત રજૂ કરતા મેં કહ્યું હતું કે, સત્યાગ્રહ પહેલા વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાતા વલ્લભભાઇનો સત્યાગ્રહ પછી ‘સરદાર’રૂપે જન્મ થયો. અને તેઓ સરદાર બન્યા, એટલે જ બારડોલીની ધરતીમાં સરદારનો જન્મ થયો એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
તેમણે સરદાર પટેલનો બારડોલીની ભૂમિ સાથે જૂનો નાતો રહ્યો હોવાનું જણાવતાં કહ્યું કે, વર્ષ ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ સમયે બારડોલીના અકોટી ગામના ભીખીબેને સફળ સત્યાગ્રહ કરીને ખેડૂતોને ન્યાય અપાવનાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરૂદ આપ્યું, ત્યારથી વલ્લભભાઈ સમગ્ર વિશ્વમાં સરદાર તરીકે ખ્યાતિ પામ્યા.
જાણીતા લેખક અને સાહિત્યકારશ્રી હરિ દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંધીજી અને સરદાર પટેલ એકબીજાના પૂરક હતા. ગાંધીજી કહેતા કે સરદાર પટેલ ન મળ્યા હોત તો દેશ માટે હું આજે જે કંઈ કરી શક્યો છું, એ ન કરી શક્યો હોત. દેશને એકસૂત્રમાં બાંધનાર સરદાર પટેલ સાચા અર્થમાં એક રાષ્ટ્રનાયક હતા. આંતરરાષ્ટ્રીય રાજનીતિના પારખું અને દૂરદર્શી નેતૃત્વ ધરાવતા સરદાર પટેલ બારડોલી સત્યાગ્રહ પછી એરિસ્ટોક્રેટિ બેરિસ્ટરમાંથી ખાદીધારી લોકનેતા બન્યા.
શ્રી દેસાઈએ આગામી બારડોલીના શતાબ્દી વર્ષની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાએ ઊજવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ પૂર્વે બારડોલીના નગરજનો, શાળાના બાળકો દ્વારા વહેલી સવારે પ્રભાતફેરી અને નગરયાત્રા યોજાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



