સુરત,તા.૧૫
સચીન ડાયમંડ પાર્ક ઇન્ડસ્ટ્રીઝમાં ખાતા નં. ૧૧૮૪માં ઉમીય ક્રિએશન નામે લુમ્સનું કારખાનું ચલાવતો વિનોદકુમાર રામદાસ પટેલ (ઉ.વ. ૪૫ રહે. ઇકો પોઇન્ટ, અલથાણ-ભીમરાડ કેનાર રોડ, શીવ સોમેશ્વરા ચાર રસ્તાની બાજુમાં, અલથાણ) ગત રોજ ઉધરાણી માટે રીંગરોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવ્યો હતો. જયાંથી તે ઓટો રીક્ષામાં બેસી ઉધના દરવાજા જવા નીકળ્યો હતો.
દરમ્યાનમાં રીક્ષામાં અગાઉથી સહમુસાફરના સ્વાંગમાં ત્રણ ગઠિયા સવાર હતા. જે પૈકી એક ગઠિયાએ ચાલુ રીક્ષાએ વોમીટ થાય છે એમ કહી બેથી ત્રણ વખત વિનોદ તરફ ઝુકી ગયો હતો અને ચાલાકી પૂર્વક તેના ખિસ્સામાંથી રોકડા રૂા. ૫૦ હજાર તફડાવી લીધા હતા. સહમુસાફરે વોમીટ થાય છે એવું કહેતા વિનોદે ચાલકની બાજુમાં બેસાડવા કહ્યું હતું પરંતુ આગળ પોલીસ છે એમ કહી ચાલકે બેસાડવાનો ઇક્નાર કર્યો હતો.
જો કે સહમુસાફરના સ્વાંગમાં સવાર ગઠિયાઓએ રોકડ તફડાવી લીધા બાદ કારખાનેદાર વિનોદને રીંગરોડ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ઉતારીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ રોકડ ગુમ થઇ ગઇ હોવાની જાણ વિનોદને થતા તેણે આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




