પર્થ,તા.૧૩
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી પર્થના મેદાન ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચ પણ જીતીને ભારત નિર્ણાયક લીડ મેળવી લેવા માટે તૈયાર છે. લાંબા ગાળા બાદ ભારત ટેસ્ટ શ્રેણી જીતવા માટે ઉત્સુક છે. પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ભારતે સાબિતી આપી દીધી છે કે તે આ વખતે છેલ્લા ૭૦ વર્ષના ઇન્તજારના ગાળાને પૂર્ણ કરવા માટે તૈયાર છે. કોહલીના નેતૃત્વમાં ભારતે હાલમાં અનેક સફળતા હાંસલ કરી છે. તેના શાનદાર દેખાવની અસર પણ ટીમ પર થઇ રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૭ પૈકી ૨૭ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમાં શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા ૧૬ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૨ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પાસેથી કરોડો ચાહક આ અપેક્ષા રાખી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ સરળ રહી નથી. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૮ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર ત્રણ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૦ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં તેની જીત થઇ હતી. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવાની બાબત ભારત માટે મોટી વાત તરીકે રહેશે. કારણ કે વિદેશી ટીમોને ઓસ્ટ્રેલિયામાં હમેંશા મુશ્કેલી નડે છે. ઇંગ્લેન્ડે વર્ષ ૧૯૯૦ બાદથી હજુ સુધી માત્ર એક વખત ૨૦૧૦-૧૧માં આ શ્રેણી જીતી હતી. ૭૦ અને ૮૦ના દશકમાં આંતરરાષ્ટ્રીય
ક્રિકેટ પર રાજ કરનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયામાં ૧૫ પૈકી માત્ર ચાર ટેસ્ટ શ્રેણી જીતી છે. એક ડ્રો રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કર્યા બાદથી આફ્રિકાએ સાત ટેસ્ટ શ્રેણીમાં ત્રણ જીતી છે. એક ડ્રો રહી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ તો છેલ્લા ૧૧ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવામાં સફળ સાબિત થઇ શકી નથી. એકબાજુ પાકિસ્તાને ત્રણ સિરિઝ ડ્રો કરાવી છે. ચાર ટેસ્ટ મેચો જીતી છે. ભારતે બે વખત શ્રેણી ડ્રો કરાવી છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૪ ટેસ્ટ મેચો પૈકી પાંચમાં જીત મેળવી છે. પર્થ ટેસ્ટ મેચમાં વિકેટ વધારે ઝડપી હોવાથી બોલરોને સીધો ફાયદો થનાર છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


