વડોદરા તા. ૨૮ માર્ચ, ૨૦૧૯ (ગુરુવાર) જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી, નિર્ભિક, પારદર્શક અને પાર્ટીસીપેટરી ચૂંટણીઓ યોજવાના સંકલ્પ હેઠળ ચૂંટણીને લગતી વિવિધ કામગીરીઓ/ જવાબદારીઓનું વિભાજન કરીને ૨૨ જેટલા નોડેલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. તેમાં મદદનીશ શ્રમ આયુક્તની નોડલ ઓફિસર ફોર માઇગ્રેટરી ઇલેક્ટર્સ (વોટર્સ)ની નિયુક્તિ કરવામાં આવી છે. તેમના નેતૃત્વ હેઠળ હાલ શ્રમ વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના વિવિધ ઉદ્યોગોમાં કાર્યરત વોટર આઇડી કાર્ડ ધરાવતા વડોદરા જિલ્લા બહારના/ગુજરાત રાજ્ય બહારના કામદારોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
આ અંગે મદદનીશ શ્રમ આયુક્ત અનિલ સોનીએ જણાવ્યું કે, નોડેલ અધિકારી તરીકેની કામગીરીના ભાગરૂપે જિલ્લામાં સાવલી, પાદરા, નંદેસરી, મંજુસર, વાઘોડિયા સહિત વિવિધ ઔદ્યોગિક વસાહતો તેમજ ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈને જિલ્લા/રાજ્ય બહારના માઇગ્રેટરી ઇલેક્ટર્સની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તેની સાથે મતાધિકારની અગત્યતા તથા અચૂક મતદાનના કર્તવ્યની તેમજ મતદાન માટે કામદારોને રજા/શીફ્ટ બદલી સહિતની સુવિધાઓ આપવાની જોગવાઇઓની સમજ આપવામાં આવી રહી છે. આ કામદારોના મતાધિકારની રક્ષા કેવી રીતે કરી શકાય તેની કાર્યવાહી આ વિગતોના આધારે પંચની સૂચના પ્રમાણે કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



