વઘઈમાં ૧૧ ઈંચ વરસાદ ઝીંકાતા મહાલની એકલવ્ય સ્કૂલમાંથી ૩૦૦ વિદ્યાર્થીઓનો ઉગારો

0
19

સાંબેલાધાર વરસાદ પડતા વઘઈ-સાપુતારા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગો બંધ : ડાંગ જિલ્લામાં તા. ૯’મીï સુધી પ્રાથમિક શાળાઓ બંધ
વઘઈ, તા. ૦૬

ડાંગ જિલ્લાના વઘઈમાં દેમાર ૧૧ ઈંચ વરસાદના પગલે સમગ્ર પંથકમાં નદી કિનારાના વિસ્તારને ઘમરોળી નાંખતા નાળા-કોઝવેમાં વ્યાપક ધોરણ સાથે ભારે તારાજી સર્જી છે. મહાલ એકલવ્ય સ્કૂલમાં પાણી ભરાઈ જતા ૩૦૦ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા હતા. ગઈકાલે સવારથી આજે સવાર સુધી વઘઈમાં ૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર આવતા મહાલ ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં પાણી ભરાઈ જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં બાળકો દ્વારા ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠતા આસપાસના ગ્રામજનોએ દોડી જઈ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને સલામત સ્થળે ખસેડાયા હતા. મહાલ ખાતે એકલવ્ય મોડેલ શાળાના તમામ બાળકોને વન વિભાગના રેસ્ટ હાઉસમાં ખસેડાયા હતા.
વઘઈમાં સાંબેલાધાર ૧૧ ઈંચ વરસાદને પગલે અંબિકા નદી ગાંડીતૂર બની જતા કેચમેન્ટ વિસ્તારના અનેક ગામોના કોઝવે પર ભયજનક સપાટી ઓળંગી વઘઈ-સાપુતારા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સાપુતારાની તળેટી વિસ્તાર માળુંગા, માનમોડી, સુપદહાડ, ઘોડવહળ, દગુનિયા, સૂર્યાબરડા સહિત અનેક કોઝ વે અંબિકાના ધસમસતા પૂરના પાણી ફરી વળ્યા હતા. નાનાપાડાથી કુમારબંધ અને રંભાસથી બારખાંદીયાને જોડતો કોઝ વે અને પુલમાં એપ્રોચ ધોવાઈ જતા બારખાંદીયા વિસ્તારના ૧૫ ગામો જિલ્લા મથકેથી વિખૂટા પડી ગયા હતા. આ સાથે નાની દાબદર ગામને જોડતુ નાળુ ધોવાણ થઈ જતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો.
અંબિકાના કેચમેન્ટમાં આવેલા ચીખલદા અને દેવીપાડા પાસે નદીના ધસમસતા પૂર મુખ્ય માર્ગ પર ચડી જતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. તદઉપરાંત વઘઈ-આહવા માર્ગ પર ભવાનદગડ પાસે ખાપરીનો પૂરના પાણી મુખ્ય માર્ગ પર ભયજનક સપાટી પર વહેતા થતા ત્યાં પણ વહીવટીતંત્ર દ્વારા માર્ગ બંધ કરી દેવાયો હતો.ભારે વરરસાદને પગલે મહાલ-બરડીપાડા માર્ગ ઠપ રહ્યો હતો.
મુશળધાર વરસાદને પગલે જિલ્લામાં પ્રવેશદ્વાર વઘઈ ખાતે ૧૦ દિવસમાં મોસમનો ૧૧૦ ઈંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં તંત્ર એ એલર્ટ જારી કર્યું હતું. જિલ્લાભરમાં મેઘતાંડવ જારી રહ્યો છે, જેના પગલે અનેક કોઝ વે પર ધસમસતા પૂરના પાણી ફરી વળ્યા હતા. સાપુતારા-વઘઈ માર્ગ પર ઠેર ઠેર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હતા. જેમાં માર્ગ મકાન વિભાગ દ્વારા ખડેપગે કામગીરી કરી માર્ગ મોકળો કર્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને પગલે પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૯મી ઓગસ્ટ સુધી રજા જાહેર કરી દેવાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY