વાંસદા,તા.૧૩
વાંસદાના રવાણીય ગામની પ્રસુતાને ગામથી ૧૦૦ મીટરના અંતરે ૧૦૮ની ઈએમટીએ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. ત્યારબાદ માતા અને ૨.૮ કિલો સાથે જન્મેલા નવજાત બાળકને તાત્કાલિક નજીકના સરકારી દવાખાને લઈ જવાતા ફરજ પર ના હાજર ડોક્ટરોએ પણ ૧૦૮ની મહિલા કર્મચારીની કામગીરીના વખાણ કર્યા છે. પ્રસુતા જયાબેન રઘેને બીજી પ્રસુતિમાં પણ પુત્રએ જન્મ લેતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પ્રસુતિની પીડાનો કોલ મળ્યા બાદ વાંસદા લોકેશનની ૧૦૮ એમ્બ્યુલસે ડુંગર પર આવેલા રવાણીય ગામ સુધીનો ૧૮ કિલોમીટરનો રન ૩૫થી ૪૦ મિનિટમાં કાપી સગર્ભાની એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી હતી.
૧૦૮નાં તબીબે જણાવ્યું હતું કે, કોલ લગભગ સવા આઠ વાગ્યાનો હતો. પ્રસુતિની પીડા હોવાનું જાણવા મળતા જ તેઓ તાત્કાલિક પાઇલોટ રાજેશ પટેલ સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ લઈ ૧૮ કિલોમીટરનું અંતર માત્ર ૩૫થી ૪૦ મિનિટમાં કાપી ડુંગર પર આવેલા રવાણીય ગામ ડુંગરી ફળિયામાં પહોંચી ગયા હતા. જ્યાં એક પ્રસુતા જયાબેન રઘે પ્રસુતિની પીડાથી તડપતી હતી જેને સ્ટેચર પર લઈ ડુંગર નીચે આવેલા અંકલાછ સીએચસી પર લઈ જવા નીકળ્યા હતા.
પ્રસુતાના ઘરેથી લગભગ ૧૦૦ મીટરમાં જ સગર્ભાની હાલત બગડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બાજુ પર ઉભી રાખી પાઈલોટની મદદથી જયાબેનને નોર્મલ પ્રસુતિ કરાવવામાં સફળ થયા હતા. નવાઈની વાત તો એ હતી કે, આ વિસ્તારમાં નેટવર્ક પણ પકડાતું ન હતું જેને લઈ તેઓ કોઈને સંપર્ક કરી પણ શક્યા ન હતા. જોકે, પ્રસુતિ બાદ બાળક અને માતાને લઈ હોસ્પિટલ જતા ડોક્ટરો પણ ખુશ થઈ ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


