ગુજરાતના ખૂણે-ખૂણે ગુંજે છે રબારી સમાજના યુવા ગીતકાર બેલડીના ગીતો

0
164

સુરત,
બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ગુજરાતીઓની બોલબાલા છે. બોલીવુડને ગુજરાતે અનેક ખ્યાતનામ ફિલ્મકારો, સંગીતકાર, સિંગર અને ગીતકાર આપ્યા છે. તેવી જ રીતે ગુજરાતી સંગીતમાં હાલના સમયમાં રબારી સમાજનો દબદબો છે. એક અંદાજ મુજબ યુ-ટયુબ પર રિલીઝ થતા ગુજરાતી ગીતોમાં ૧૦માંથી ૬ ગીતો સીધી કે આડકતરી રીતે રબારી સમાજ સાથે જોડાયેલા હોય છે. આજે ગુજરાતી સંગીત ક્ષેત્રમાં જાણીતી આવી જ એક ગીતકાર જોડી વિશે વાત કરવી છે, જેમણે ગુજરાતી સંગીતને અનેક એવા ગીતોની ભેટ આપી છે, જેના વડે ગુજરાતી સંગીતને એક અલગ દિશા મળી છે. બન્ને યુવા ગીતકારોની સફળતાની ગાથા સંઘર્ષ અને રોચકતાથી ભરપૂર છે.
આ યુવા ગીતકારો એટલે રાજન રાયકા અને ધવલ મોટણ. રાજન રાયકા ચંદ્રુમણા ગામના અને ધવલ મોટણ શેખપુર(વડ), તા.વડનગર, જિ.મહેસાણાના વતની છે. ધવલ જણાવે છે કે, ઘરની નજીક આવેલા મંદિરમાં ભજનમંડળમાં નિયમિત જતા, અને ત્યાં ભજન મંડળીમાં ભજન પણ ગાતા હતા. ત્યારે એકવાર વિચાર આવ્યો કે, ‘ હું જાતે ભજન લખું તો કેવું?’. એક દિવસે જાતે ભજન લખ્યુ અને ભજનમંડળીમાં ગાયું ત્યારે હાજર સૌએ ભજનને ખૂબ વખાણ્યું. આ પ્રસંગથી ધવલ મોટણની ગીતકાર તરીકેની સફરનો પાયો નંખાયો. ત્યાર બાદ ધવલે કેસેટ બનાવવાનું વિચાર્યું. પોતાના પિતા શકરાભાઈ સમક્ષ આ વિચાર પ્રગટ કર્યો. દિકરાનો ઉત્સાહ જોઈ શકરાભાઈએ પણ હા પાડી. અને પ્રથમવાર ૮ જેટલા ગીતો સાથેની પ્રથમ કેસેટ લોન્ચ થઈ. જેમાં સફળતા મળતા આજ દિન સુધી પાછુ વાળીને જોયું નથી.
જયારે રાજન રાયકાને પણ બાળપણથી ગીતો અને શાયરીઓ લખવાનો શોખ હતો. સ્થાનિક અખબારોમાં આવતી કોલમોમાં પોતાના ગીત, શાયરી અને કવિતાઓ લખી મોકલતા. રાજને લખેલા ગીતોની એક કેસેટ તેમના મિત્રએ બનાવી. શરૂઆતમાં પરિવારે સરકારી નોકરી કે યોગ્ય વ્યવસાય કરવાની સલાહ આપી, પણ તેમનો સંગીતપ્રેમ અને ઉત્સાહ જોઈ તેમણે રાજનને પસંદગીનું કામ કરવાની છુટ આપી. રાજને વિસનગર, મહેસાણા ખાતે જુદા જુદા સ્ટુડિયોમાં નોકરી કરીને ગીતો લખ્યા અને ગાયા પણ.
એકવાર ધવલ મોટણે લખેલા ગીતોનું રેકોર્ડીગ હતુ. ગીત ગાનાર કલાકારે ‘આવા ગીત હું નહિ ગાઉ.’ એમ કહી ના પાડી દીધી. જેથી ધવલને ખોટુ લાગ્યું. ત્યારે રાજને ધવલને સમજાવ્યો કે તારા લખેલા ગીતો ઘણા સારા છે. પણ ગાયકની નજર અને સમજણમાં ભૂલ થઇ શકે છે. આ હતો ધવલ અને રાજનનો પ્રથમ પરિચય.
ત્યારબાદ ધવલ મોટણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો. ધવલે લખેલા ગીતો ધીરે –ધીરે પ્રસિદ્ધિ પામ્યા, લોકો પણ રસપૂર્વક સાંભળતા હતા. તેમની પાસે નવા નવા ગીતો લખાવવા માટેની ઘણી ઓફરો આવતી હતી છતાં આ સમયે ધવલે પરીક્ષાની તૈયારીમાં જ પોતાનું મન પરોવવાનું નક્કી કર્યું હતું. તેથી જે કોઈ ગીત લખવાની ઓફરો લઈને પોતાની પાસે આવે તેમને રાજન રાયકા પાસે મોકલતા. આના કારણે બંનેની મિત્રતા વધુ ગાઢ બની. ધવલને નાનપણથી ચિત્ર, કળા, કાવ્યો અને લેખ પ્રવૃત્તિમાં પણ ગજબનો શોખ છે. ધવલ કોઈ પણ વ્યકિતનું અદ્લ ચિત્ર મિનીટોમાં દોરી શકે છે.
રાજન રાયકાએ પોતાના શોખને જ કામ બનાવી લીધું હતું. અને તેમાં સફળતા પણ મેળવી રહ્યા હતા. સાથે ધવલ મોટણના લખેલા ગીતોની પણ કેસેટો બની હતી, છતાં આ શોખને પ્રોફેશનલ બનાવવાનું નક્કી નહોતું થયું. તેમના પિતા શકરાભાઈ મોટણ સમાજને લગતું એક પુસ્તક બનાવી રહ્યા હતા. તેમાં મુકવા માટે તેમણે બે કવિતા લાવી આપવાનું કામ ધવલને સોપ્યું. ધવલ મોટણે જ્યારે બે કવિતાઓ પિતાને આપી ત્યારે પિતા શકરાભાઈએ કવિતાના ખુબ વખાણ કર્યા. કવિતા ક્યાંથી લાવ્યો એમ પૂછ્યું તો ધવલે જવાબ આપ્યો કે, ‘બંને મેં જાતે જ લખી છે.’ આ પ્રસંગથી પોતાના કામની કદર થતી જોઇને ધવલ મોટણે અનુભવ્યું કે, ‘મારામાં ગીતો લખવાની ક્ષમતા છે. તો મારે આ દિશામાં જ આગળ વધવું જોઈએ. આ મુદ્દે પિતા અને પરિવારની પરવાનગી પણ હતી. ત્યારબાદ રાજન રાયકાનો સંપર્ક કરી સાથે મળીને ગીતો લખવાની શરૂઆત કરી. બંનેએ નક્કી કર્યું કે, ‘હવે ગીતો લખશે તો સાથે જ લખશે.’ પ્રારંભિક તબક્કામાં જ તેમના લખેલા ગીતોને લોકોએ ખુબ પસંદ કર્યા.

ગીતકાર ધવલ મોટણના ગીતોની અનેરી ઝલક
 મારા વડવાઓની કેવી પુનઈ……..
 મોનીતા મારા માલધારી……
 સંપનો છાંયો અમદાવાદમાં રે………..
 મોરી જાય રે ગાવલડી………
 મઢડે બેઠી કોયલડી……..
આ યુવા કલાકારોના ગીતો શરૂઆતમાં કેસેટ સ્વરૂપે રિલીઝ થયા. કેસેટમાં ૧૨-૧૪ ગીતો હોય જેમાં ૪-૪ નવા ગીતો અને બીજા જુના ગીતો મિક્ષ કરી કેસેટો રિલીઝ થતી. પણ થોડા જ સમયમાં આ પ્લેટફોર્મ બદલાયું અને કેસેટોનું પ્રમાણ ઘટતા યુ ટ્યુબ જેવા લોકપ્રિય ડિઝીટલ પ્લેટફોર્મ પર ગીતો રિલીઝ થવા લાગ્યા. આ તબક્કે પણ શરૂઆતના ગીતો અને એ પણ દેશી ઢોલના તાલે આવતા રબારી સમાજના ગીતોની ખૂબ પ્રશંસા થઇ. રાજન-ધવલની જોડીએ હજુ આગળ વધીને આમાં કઈક નવું કરવાનું વિચાર્યું, અને બંનેએ એક ગીત લખી તેનો વિડીયો બનાવી યુટ્યુબ પર રિલીઝ કર્યું. “શ્વેત વસ્ત્રધારી, એક હતો રબારી” આ ગીતે અભૂતપૂર્વ સફળતા મેળવી. આ ગીતે જાણે રબારી સમાજનો અને ગુજરાતી ગીતોનો એક નવો યુગ શરૂ કર્યો. ત્યાર બાદ આ ગીતનો બીજો ભાગ ‘‘તું પરછાઈ મારી, હું તારો રબારી” પણ આવી ચુક્યું છે. અને તેનો ત્રીજો ભાગ પણ ટૂંક જ સમયમાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY