દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે મુખ્યમંત્રીએ
શ્રમદાન કરી ગામતળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું
ખારા પાણીને મીઠા કરવાની યોજના બાદ હવે ગટરના પાણીને રિ-સાયકલ કરી ખેતી અને ઉદ્યોગોને આપવાની રાજ્ય સરકારની યોજના
રાજ્યમાં વધારાની ૧૧ હજાર લાખ ઘન ફૂટ પાણીની સંગ્રહક્ષમતા વધારવાનો લક્ષ્યાંક સેવ્યો છે
સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનમાં દાતાઓ તરફથી દાનની સરવાણી વહી: રૂા.૨૭ લાખના ચેકો મુખ્યમંત્રીને અર્પણ કરાયા
મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના ૨૫ જેટલા નવનિર્મિત તળાવોનું ડિજિટલ લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન:૨૦૧૮ ની ઝલક પ્રસ્તુત કરતી વિડીયો ફિલ્મનું લોન્ચિંગ કર્યું
મનરેગા હેઠળના જળસંચયના શ્રમયજ્ઞમાં મુખ્યમંત્રીએ શ્રમદાન અને વૃક્ષારોપણ કર્યું
રાજપીપળા: જળ અભિયાન એ ગુજરાતની અતૃપ્ત ધરાને જળસમૃદ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છે એમ જણાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તળાવોને ઊંડા ઉતારવાનું અભિયાન ઈશ્વરીય કાર્ય હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. આજે ભૂતકાળ બની ચૂકેલી કલકલ વહેતી ૩૨ નદીઓને પુન:જીવિત કરી ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી મુક્ત કરવા માટેનો એક પ્રયાસ છે એમ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચીકદા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં જોડાયેલા મુખ્યમંત્રીએ આજે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
પાણી એ પ્રભુનો પ્રસાદ છે ત્યારે તેનો પ્રસાદ તરીકે જ ઉપયોગ કરી ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે પાણીના એક એક બુંદને એકત્રિત કરી સાગર બનાવવાનું આહવાન કરતાં વિજયભાઇ રૂપાણીએ રાજ્યના તમામ નાગરિકે કોઇપણ જાતિ, જ્ઞાતિ કે ધર્મથી પર રહીને આ અભિયાનમાં જોડાઈને જળ અભિયાનને જનઅભિયાનમાં રૂપાંતરિત કર્યું છે, ત્યારે બહોળું લોકસમર્થન જ આ અભિયાનની સફળતા હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.
આ અભિયાનથી પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢીને દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી મુક્તિ આપી સમૃદ્ધ જળ વારસો આપવાની મુખ્યમંત્રીએ નેમ વ્યક્ત કરી હતી..
જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને જળ અભિયાનના વિરોધીઓને આડે હાથે મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ અભિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાને જાળવવાનું અને ભાવિ પેઢીના સોનેરી ભવિષ્યનું નિર્માણ કરી સમૃદ્ધ જળવારસો આપવાનું અભિયાન છે.
નર્મદા જિલ્લામાં જળ સંચયના કુલ ૩૮૬ કામોમાંથી ૩૬૬ જેટલાં કામો શરૂ કરીને તે પૈકી મોટા ભાગના કામો પૂર્ણ કરવા બદલ પ્રભાવિત થઈને રૂપાણીએ જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યાં હતા.
ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં પાણીદાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા જનભાગીદારીથી ચાલી રહેલા જળસંચય અભિયાને હવે જન અભિયનનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે ગુજરાત માટે આશિર્વાદરૂપ બની રહેશે. દેશની આઝાદી બાદ સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં વિશાળ પાયે હાથ ધરાયેલા જળસંચય અભિયાને દેશભરમાં અનોખુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ પ્રસંગે સુજલામ સુફલામ જળ અભિયાન નિધિમાં વિવિધ કંપનીઓ અને ધાર્મિક સંસ્થાઓના દાતાઓ તરફથી રૂ. ૨૭ લાખના માતબર દાનના ચેકો મુખ્યમંત્રીને અર્પણ કરાયા હતા. આ વેળાએ મુખ્યમંત્રીએ એફ.આર.એ.ના મહિલા લાભાર્થીઓને સનદનું પણ વિતરણ કર્યું હતું.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ જીન્સી વિલીયમે આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત અન્ન આયોગના ચેરમેન ભૂપેન્દ્રસિંહ લાખાવાલા, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ, ગજેન્દ્રસિંહ જાડેજા, કેન્દ્રિય આદિજાતિ આયોગનાં સભ્ય હર્ષદભાઇ વસાવા, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, જિલ્લા પ્રભારી સચિવ એસ. જે. હૈદર, સતિષભાઇ પટેલ, ચીકદાના સરપંચ રેવજીભાઇ,જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, ધારીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






