અંકલેશ્વર
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઉત્તર ભારતીય સમાજના પરંપરાગત મહાપર્વ છઠ્ઠ પૂજાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગડખોલ, સારંગપુર, કોસમડી અને કાપોદ્રા સહિતના વિસ્તારોમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા પૂજા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. તહેવાર નજીક આવતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છઠ્ઠ મહાપર્વમાં અસ્ત થતા અને ઉગતા સૂર્યદેવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. મહિલાઓ પોતાના સંતાનોના લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કઠોર નિર્જળા વ્રત રાખે છે. વ્રતના ભાગરૂપે પહેલા દિવસે વહેતા પાણીમાં ઊભા રહી અસ્ત થતા સૂર્યદેવને અને બીજા દિવસે ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી પૂજા કરવામાં આવે છે.
અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ઉત્તર ભારતીય પરિવારો ગડખોલ ગામમાં વસતા હોવાથી ગડખોલ પંચાયત દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પૂજા પૂર્વે નહેર અને કુંડની સફાઈ કરાવવામાં આવી છે. ઉપરાંત બેડી ઊભી કરી રંગરોગાનની કામગીરી પણ ચાલી રહી છે. મીઠા ફેક્ટરી પાસેની કેનાલ અને અંબિકાનગર વિસ્તારમાં પણ સફાઈ કરાઈ છે.
આ ઉપરાંત સારંગપુર, કોસમડી, કાપોદ્રા, સંજાલી અને પાનોલીના રહીશો પણ છઠ્ઠ પૂજાની તૈયારીઓમાં જોડાયા છે. સૂર્યોપાસનાના આ મહાપર્વને શ્રદ્ધા અને પરંપરા સાથે ઉજવવા ઉત્તર ભારતીય પરિવારોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"

