ગુજરાતમાં વર્ષે ઓછામાં ઓછા ત્રણ નાના મોટા પોલીસ અધિકારીઓ કામ અને પરિવારીક તનાવના કારણે આત્મહત્યા કરી લે છે. આવી ઘટના ઘટે ત્યારે સિનિયર પોલીસ નાના કર્મચારીઓનું તનાવ ઘટે તેવા પગલાં લેવામાં આવશે અને અઠવાડીક રજા આપવામાં આવશે તેવી જાહેરાંત કરે છે, પણ આ બધુ સ્મશાન વૈરાગ્ય જેવુ હોય છે, બધુ સામાન્ય થઈ જાય પછી નાના પોલીસ અધિકારીઓના તનાવ સામે કોઈ ધ્યાન આપતુ જ નથી,
ગત વર્ષે વડોદરા અને અમદાવાદના પોલીસ સબઈન્સપેકટરે પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી, થોડા દિવસ પહેલા અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરે પોલીસ અધિકારીઓને વોટસઅપ ગ્રુપમાં રજા નહીં મળતી હોવાને કારણે તે આત્મહત્યા કરી રહ્યુ છે તેવુ જણાવ્યુ હતું, રોજના પંદર કલાક કામ કરતા પોલીસ કર્મચારીઓને વાર-તહેવારે તો રજા તો મળતી નથી પણ પોલીસ બીમાર પડે તો પણ તેમને રજા લેવાનો હક્ક નથી તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટરથી નીચેના કોન્સટેબલ અને હેડકોન્સટેબલને શનિ-રવિની રજાનો સરકાર પગાર આપે છે. જેના કારણે સરકાર અને સિનિયર અધિકારીઓ માને છે કે તેમની નૈતિક જવાબદારી પુરી થઈ ગઈ છે.
પ્રત્યેક રજાના દિવસે કામ કરતો પોલીસવાળોના ઘરે કોઈ સારા માઠો પ્રસંગ હોય અથવા તે બીમાર પડે તો પણ તેને રજા આપવામાં આવતી નથી. જયારે આસીસ્ટન્ટ પોલીસસબઈન્સપેકટર-સબઈન્સપેકટર અને પોલીસ ઈન્સપેકટરને તો રજાનો પગાર પણ આપવામાં આવતો નથી છતાં તેઓ રજા લેવાના હક્કદાર નથી. જયારે તેમની ઉપરના તમામ અધિકારીઓ શનિ-રવિની રજા સહિત તમામ જાહેર રજાઓના દિવસે પરિવાર સાથે રહે છે. પણ તેઓ અપેક્ષા અને આગ્રહ રાખે છે કે તેમના તાબાનો તમામ સ્ટાફ ફરજ ઉપર ૩૬૫ દિવસ હાજર રહે.
આમ નાના પોલીસ અધિકારીઓ રજાની માગણી કરે ત્યારે તેમને વિવિધ કારણ આપી સિનિયર રજા આપતા નથી જેના કારણે પોલીસ સબઈન્સપેકટર અને ઈન્સપેકટર કક્ષાના અધિકારીઓ કંટ્રોલરૂમને ફોન કરી પોતાની બીમારીનું કારણ આપી બીમારીની રજા ઉપર ઉતરી જાય છે. ગુજરાત પોલીસમાં કામ કરતા પોલીસ ઈન્સપેકટરોની રજાની યાદી કાઢવામાં આવે તો તેમને મળવાપાત્ર એક પણ રજા તેમણે લીધી હોય તેવુ ભાગ્યે જ જાવા મળશે પરંતુ તમામ પોલીસ ઈન્સપેકટરો માંદગીના નામે જ રજા લીધી હશે, સિનિયર અધિકારીઓ રજા નહીં આપતા હોવાને કારણે ઈન્સપેકટરો બીમારીના નામે જ રજા લે છે.
પરંતુ સિનિયર પોલીસ અધિકારીઓ બીમારીની રજા લેનારા ઈન્સપેકટરોને હવે ગુજરાત પોલીસ એકટ ૧૪૫ની નોટીસ આપી રહ્યા છે. આ નોટીસમાં આદેશ કરવામાં આવે છે કે તમે તમારા ફરજના સ્થળે હાજર થઈ જાવ આમ એક ઈન્સપેકટર જયારે કહે કે હું બીમાર છુ તો તેને ફરજ ઉપર હાજર થઈ જવાની નોટીસ મળે. ૧૪૫ની નોટીસની જાગવાઈ પ્રમાણે બે વખત આ પ્રકારની નોટીસ આપ્યા પછી બીમાર પોલીસ અધિકારી સામે ગુનો નોંધવાની જાગવાઈ છે આમ ગુજરાત પોલીસમાં તે ફરજ બજાવતા હોવ અને બીમાર પડશો તો ગુનો નોંધવામાં આવશે તે નક્કી છે..
ગુજરાતના ડીજીપી તરીકે શીવાનંદ ઝા આવ્યા પછી તેમમે નાના પોલીસ અધિકારીઓને રાહત થાય તેવા અનેક નિયમોમાં ફેરફાર કર્યો છે, પરંતુ આ રાહતો બધી કાગળ ઉપર રહી ગઈ છે, બહુ ઓછા આઈપીએસ અધિકારીઓ પોતાના સ્ટાફની પીડાને સમજી શકે છે. ખરેખર હજી વધુ પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરે તે પહેલા ડીજીપીએ સિનિયરોની માનસીકતા બદલવા માટે કલાસ લેવાની જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




