સુરત-જેતપુર,તા.૧૪
સુરતમાં ફરી એકવખત બીઆરટીએસ બસે એક વ્યકિતને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું, અને રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરતા પોલીસ દોડતી થઇ હતી. જા કે, આ ઘટનામાં બસનો ડ્રાઇવર બસ મૂકીને ભાગી ગયો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી ઓવર બ્રિજ પર એક વ્યકિત જઇ રહ્યો હતો, તે સમયગાળા દરમિયાન પૂરસ્પીડે આવેલી બીઆરટીએસ બસે યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતા અને બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.
આ ઘટનામાં લોકોના ગુસ્સાનો ભોગ ન બનવું પડે તે પહેલા બીઆરટીએસ બસના ડ્રાઇવર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ બીઆરટીએસ બસ પર પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જા કે મૃતકના પરિવારજનોએ ડ્રાઈવરને ઝડપી પાડવાની માંગ સાથે મૃતદેહ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
બાદમાં પોલીસની મધ્યસ્થી અને સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. હાલ અમરોલી પોલીસે સીટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તો બીજી બાજુ જેતપુરમા એસ .ટી. બસે ટક્કર મારીને બાઈક ચાલકનો પગ ભાંગી નાંખતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને બસના કાચ ફોડી ડ્રાઈવર-કંડકટરને માર માર્યો હતો. જા કે એસ.ટી. બસને કોઈ આગચંપી કરે તે પહેલા પોલીસ આવી પહોંચતા એસટી બસ બચી ગઈ હતી. એકઠા થયેલા લોકોમાંથી કોઈ ટીખળખોરોએ બસ ઉપર પથ્થર મારો કરતા કાચ ફોડી નાખી ડ્રાઈવર -કંડકટરને માર માર્યો હતો અને નાસી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



