ભાવનગર,તા.૪
ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વારંવાર પીવાના પાણીની લાઈનો સાથે ગટરોની લાઈનો ભળી જતા લોકોને ગંદુ પાણી મળતુ હોવાની ફરિયાદો સેવા સદન પાસે થતી રહે છે. આ મુદ્દે અવાર-નવાર નગરસેવકો બોર્ડ બેઠકોમાં પણ ગંદા પાણીની ફરિયાદો કરતા રહે છે.
મનપા દ્વારા ભાવનગર શહેરમાં ડ્રેનેજના મેનહોલ સાફ કરવાની કામગીરી બંધ થતા જ લાઇનો ચોકઅપ થવાના બનાવો વધવા સાથે દૂષિત પાણીની ફરિયાદોમાં એકાએક વધારો થવા લાગ્યો છે. આનંદનગર બોરડીગેટ, વડવાનેરાથી શરુ થઈ માંઢીયાફળી સુધીના વિસ્તારમાં જાગીવાડની ટાંકી આસપાસ, શિશુ વિહારમાં દૂષિત પાણીની ફરિયાદો વધી છે. ભાવનગર શહેરમાં છેલ્લા બે માસથી ગંદુ પાણી આવતા જુદા-જુદા વિસ્તારનાં રહીશો દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી.
જેમાં જણાવેલ છે કે, છેલ્લા બે માસથી આનંદનગર બોર્રડીગેટ, વડવાનેરાથી શરુ થઈ માંડીયાફળી સુધીના વિસ્તારમાં પીવાનું પાણી ખુબજ વાસવાળું અને ગંદુ આવે છે. આ વિસ્તારમાં અવાર નવાર આ ફરિયાદ છે પરંતુ કોઈ પણ જાત ની કાર્યવાહી થતી નથી. વારંવાર લેખિત મોખિક ફરિયાદ કરવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. આનો કોઈ ઉકેલ નહિ મળે અથવા આ બાબતે કોઈ કાર્યવાહી નહિ થાય તો આ વિસ્તારનાં રહેવાસીઓ સાથે અહિંસક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભાવનગર શહેરમાં ઠેર ઠેર ગટરના પાણી પિવાના પાણી સાથે ભળી જવાની ફરિયાદો સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનું શરૂ થઇ રહ્યું છે. ત્યારે મચ્છરોની ઉત્પત્તિ સ્થાનો ડામવા લોકોની બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવાની આરોગ્ય તંત્રએ ચિમકી ઉચ્ચારી છે, પરંતુ હકીકતમાં તો મ્યું. કોર્પોરેશને ડ્રેનેજ અને પિવાના પાણી ભળી જવાની સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવાની જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


